Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયમોદી-યોગી વચ્ચેના ઠંડા યુધ્ધથી ઉતરપ્રદેશમાં ગરમાવો

મોદી-યોગી વચ્ચેના ઠંડા યુધ્ધથી ઉતરપ્રદેશમાં ગરમાવો

ફરજીયાત નિવૃત કરી એ.કે.શર્માને અહિં પ્રવૃત કરવામાં આવતાં, યોગીના આકરાં પ્રત્યાઘાતો

- Advertisement -

જાન્યુઆરીથી જૂન મહિનો આવી ગયો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કેડરના જે નિવૃત્ત ઓફિસરને પાર્ટીમાં સમાવીને ઉત્તરપ્રદેશ મોકલ્યા હતા તે એકે શર્માનો હજી કોઇ નંબર આવ્યો નથી. તેમને ઉત્તરપ્રદેશમાં કોઇ જવાબદારી સોંપવામાં આવી નથી. આ સંજોગોમાં એવો સવાલ ઉભો થયો છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંકી રહ્યાં છે. મોદી અને એકે શર્માની નિકટતા છતાં યોગી વડાપ્રધાન સાથે બાથ ભીડી રહ્યાં છે. એકે શર્માની નોકરી પૂર્ણ થાય તેના દોઢ વર્ષ પહેલાં જાન્યુઆરીમાં વીઆરએસ લેવડાવીને નરેન્દ્ર મોદીએ તેમને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. કેન્દ્રના પ્રયાસથી તેમને સ્થાનિક રાજકારણમાં મહત્વનો હોદ્દો અને કેબિનેટમાં હોમ જેવો મહત્વનો વિભાગ આપવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ એકે શર્માથી ખુદ મુખ્યમંત્રી અંતર બનાવી રહ્યાં છે. તેમને બેઠકોમાં બોલાવવામાં આવતા નથી. સતત બે બેઠકોમાં ખુદ યોગીએ એકે શર્માને આવવાની ના પાડી દીધી હતી. મોદીની નિકટના ઓફિસર છતાં યોગી ઇચ્છતા નથી કે એકે શર્માને સરકારમાં મહત્વનું પદ મળે.

- Advertisement -

મહત્વની બાબત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શરૂ કરેલા યોગી આદિત્યનાથને મનાવવાના બઘા પ્રયાસો વિફળ રહ્યાં છે. યોગી પર દબાણ કરવાની એક પણ ફોર્મ્યુલા અને તરકીબ કામ કરી રહી નથી. મોદીના અત્યંત વિશ્વાસુ અને સંઘના જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોસબોલે દૂત બનીને લખનૌ ગયા હતા પરંતુ તેમને કોઇ સફળતા મળી નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ લખનૌ ગયા હતા.

એવું માનવામાં આવે છે કે યોગીના હાર્ડ હિન્દુત્વની એવી અસર ઉભી થઇ છે કે ભગત મંડળી યોગીને વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી બતાવે છે. બીજી તરફ ઉત્તરપ્રદેશ એક પછી એક ઘટનાઓથી બદનામ થઇ રહ્યું છે. હાથરસકાંડ, કાનપુરનો વિકાસ દુબે કાંડ, બ્રાહ્મણ વિરોધી સરકારના ખુદ ભાજપના ધારાસભ્યોના આરોપ અને કોરોના સંક્રમણમાં રાજ્ય સરકારની લાપરવાહી જેવા વિવિધ મુદ્દા પર ધ્યાનથી જોઇએ તો ૨૦૨૨ની ઉત્તરપ્રદેશની ચૂંટણી ભાજપના હાથમાંથી સરકી રહી છે છતાં પાર્ટીમાં ઉભો થયેલો આ વિવાદ શમવાનું નામ લેતો નથી.

- Advertisement -

૨૦૨૨માં ઉત્તરપ્રદેશ હાથથી નિકળી જશે તો ૨૦૨૪માં દિલ્હીમાં સરકારની બનવાની કોઇ ગેરન્ટી નથી. એકે શર્માને સરકારમાં મહત્વનું પદ આપવાનો મકસદ ચૂંટણીમાં વિજયની અભિલાષા છે. મોદીની ઇચ્છા છે કે ઉત્તરપ્રદેશમાં એકે શર્માને મહત્વનું પદ મળે પરંતુ યોગી તેમને આપવા માગતા નથી તેથી મંત્રીમંડળનું વિસ્તરણ કરતા નથી. એકે શર્મા એમએનસીમાં ચૂંટાયા ત્યારે યોગી તેમના વિસ્તાર ગોરખપુરમાં જતા રહ્યાં હતા. તેમને પ્રતિનિધિ તરીકે બંગલો આપવાનો થયો ત્યારે યોગીએ શર્માને લખનૌની બહાર બંગલો આપ્યો હતો. બન્ને નેતાઓ પર ઉભી થયેલી તિરાડ હવે ઝડપથી પુરાય તેવી નથી. યોગીએ એક તબક્કે એવું કહ્યું હોવાની ચર્ચા છે કે કોરોના સંક્રમણ અટકાવવામાં બદનામી હોય તો રાજ્ય પર ઢોળી દેવામાં આવે છે જે ઉચિત નથી.

મોદી અને યોગી વચ્ચેનો તનાવ એટલો વધી રહ્યો છે કે ૫મી જૂને યોગીનો જન્મદિન હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ યોગીને ટ્વિટર પર જન્મદિનની શુભકામના પણ આપી નથી. એ પહેલાં મોદીએ ટ્વિટર પર ૯મી એપ્રિલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને જન્મદિનની શુભેચ્છા આપી હતી. ફિલ્મસ્ટાર શત્રુધ્નસિંહાએ પણ ઠેકડી ઉડાવી હતી અને કહ્યું હતું કે પીએમ અને સીએમ વચ્ચે આ શું ચાલી રહ્યું છે. જન્મદિનની શુભેચ્છાની આપલે કેમ થઇ નથી.

- Advertisement -

ઉત્તરપ્રદેશ ભાજપમાં એકે શર્માના કારણે સંકટ વધી રહ્યું છે. મોવડી મંડળની સૂચના હોવા છતાં યોગી તેમની સરકારની કેબિનેટનો વિસ્તાર પણ કરતા નથી. પાર્ટીની ભિતર અને બહારના અનેક સવાલોના કારણે ભાજપ અને સંઘના નેતાઓની ઊંઘ હરામ બની રહી છે. યોગી આદિત્યનાથ ૧૯૯૮થી ગોરખપુરના ભાજપના સંસદસભ્ય રહ્યાં છે. તેમણે ક્યારેય ભાજપના ભરોસે ચૂંટણી લડી નથી. તેઓ પાંચ વખત લોકસભાની ચૂંટણી જીત્યાં છે. તેમને સન્યાસી નેતા માનવામાં આવે છે.

૨૦૧૭માં ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં યોગીનું નામ ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં ન હતું પરંતુ પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં તેમની માગણી આવતા પાર્ટીએ તેમને મેદાનમાં ઉતાર્યા હતા. કહેવાય છે કે યોગી તેમના વિચારો અને વિશ્વાસ સાથે ચાલે છે. પાર્ટીની વિપરિત પણ તેઓ ઘણીવાર ચાલ્યા છે. ૨૦૧૦માં જ્યારે સંસદમાં મહિલા આરક્ષણ બીલ પર ભાજપે વ્હિપ આપ્યો ત્યારે તેમણે તેને માન્યો ન હતો. તેમણે કહ્યું હતું કે તેઓ આરક્ષણનો વિરોધ કરે છે.

ઉત્તરપ્રદેશમાં છેલ્લા બે સપ્તાહથી જે રીતે સંઘ પરિવાર અને ભાજપના કેન્દ્રીય નેતાઓની બેઠકો ચાલી રહી છે તે જોતાં આ પ્રદેશની રાજનીતિમાં હલચલ પેદા થઇ છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે – મુખ્યમંત્રી યોગીએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે અરવિંદ શર્માને કોઇ મહત્વનો વિભાગ તો ભૂલી જાવ, તેમને કેબિનેટ મંત્રી બનાવવા પણ મુશ્કેલ છે. રાજ્યમંત્રીથી વધુ તેમને કંઇપણ આપવા તૈયાર નથી. યોગીના આ વલણથી વડાપ્રધાન કાર્યાલયની અવહેલના થઇ છે. યોગીએ મોદી સામે પડકાર ફેંક્યો છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપના કેટલાક નેતાઓ યોગીને મોદીના વિકલ્પ તરીકે જોઇ રહ્યાં છે. જો તેમ થયું તો ૨૦૨૨ની ઉત્તરપ્રદેશની ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેશે. બીજી તરફ એવું કહેવાય છે કે યોગીને સંઘ પરિવારનું પીઠબળ છે પરંતુ મોદીની સામે યોગીનો આ દાવ કેટલો ટકે છે તે સંઘ પરિવારને પણ ખબર છે. યોગીના સમર્થક માને છે કે એકે શર્માને પેરેશૂટની જેમ ઉત્તરપ્રદેશમાં ઉતારવામાં આવ્યા છે જે યોગ્ય નથી.

કોરોનાથી લઇને દેશની ઇકોનોમી સુધી નરેન્દ્ર મોદીને યોગી માર્ગદર્શક માને છે પરંતુ ઉત્તરપ્રદેશ ભાજપના ફેસબુક એકાઉન્ટ અને ટ્વિટર બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પણ નથી. ભાજપના સોશ્યલ પ્લેટફોર્મ પર લગાવેલા બેનર અને પોસ્ટરમાં પણ વડાપ્રધાન ગાયબ છે. ચોંકાવનારી બાબત એવી છે કે ભાજપના યુપી હેન્ડલથી શેયર કરવામાં આવેલા નમામિ ગંગે યોજનાથી જોડાયેલી એક જાહેરાતના પોસ્ટરમાં પણ મોદીની તસવીર નથી. 23મી મે એ દિલ્હીમાં ટોચના નેતાઓની જે બેઠક થઇ હતી તેમાં પણ યોગી ગેરહાજર રહ્યાં હતા. લખનૌમાં સંઘના નેતાની બેઠકમાં પણ યોગી હાજર ન હતા.

ઉત્તરપ્રદેશમાં મંત્રીમંડળનો વિસ્તાર અને નેતૃત્વ પરિવર્તનની અટકળો ચાલી રહી હતી ત્યારે જ્યારે ભાજપના ઉપાધ્યક્ષ રાધા મોહન સિંહે રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી ત્યારે ઉત્તરપ્રદેશમાં મંત્રીમંડળનો વિસ્તાર અને નેતૃત્વ પરિવર્તનની અટકળો વહેતી થઇ હતી. પરંતુ રાધામોહન સિંહે કહ્યું કે એવું કંઇ નતી. યુપી સરકાર અને સંગઠન મજબૂત છે. આમ છતાં ટ્વિટર હેન્ડલ પર મોદી વર્સિસ યોગી ટોપ ટ્રેન્ડ પોપ્યુલર બન્યું હતું, આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીના કારણે આ રાજ્યમાં રાજનૈતિક ગરમી વધી રહી છે.

કોરોના સંક્રમણની બીજી લહેર ચાલું છે ત્યારે ઉત્તરપ્રદેશ ભાજપમાં અસંતોષ અને પંચાયતની ચૂંટણીના પરિણામોથી ભાજપની ચિંતામાં વધારો થયો છે. ગયા મહિનાની આખરમાં જ્યારે યોગી રાજ્યપાલને મળવા ગયા ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની અટકળો તેજ બની હતી પરંતુ યોગીએ વિસ્તરણ હજી સુધી કર્યું નથી. યોગી કેબિનેટમાં હાલ ૫૩ મંત્રીઓ છે અને તેઓ ૬૦ સુધી રાખી શકે છે. બીજા સાત મંત્રીઓના સ્થાન ખાલી પડેલા છે, તેમ છતાં એકે શર્માના કારણે યોગી મંત્રીમંડળનો વિસ્તાર કરતા નથી તેવી છાપ દિલ્હીમાં ઉપસી આવી છે.

 દિલ્હી અને ઉત્તરપ્રદેશ વચ્ચેના આ તનાવ વચ્ચે 23મી મે એ ભાજપના ટોચના નેતાઓની બેઠક થઇ હતી. સંઘના નેતા હોસબલે ૨૪ થી ૨૬ મે ના રોજ લખનૌ ગયા હતા. 27મી મે એ યોગી રાજ્યપાલને મળ્યા હતા. 31મી મે એ બીએલ સંતોષ અને રાધા મોહનની યુપીમાં બેઠક થઇ હતી. ત્રીજી જૂને સંઘના ટોચના નેતાઓની દિલ્હીમાં બેઠક થઇ હતી. 6ઠ્ઠી જૂને દિલ્હીમાં ટોચના નેતાઓ મળ્યા હતા. આ જ દિવસે રાધામોહન સિંહ રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળ્યા હતા. રાધામોહને કહ્યું હતું કે મંત્રીમંડળનો વિસ્તાર કરવો તે મુખ્યમંત્રીનો અધિકાર છે. કેટલાક પદો ખાલી છે પરંતુ તેનો નિર્ણય યોગીએ લેવાનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular