ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મતદારોને કેશ ટ્રાન્સફર કરવાની જાહેરાતને લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ ભ્રષ્ટાચાર ગણવાની દાદ માગતી અરજી મામલે દિલ્હી હાઇકોર્ટે ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિ સિંહની બેન્ચે બુધવારે હાથ ધરી. જસ્ટિસ પટેલે ચૂંટણીપંચનાં વકીલ અંજના ગુસાંઇને કહ્યું, તમે કાર્યવાહી કરો. અધિકારો ઘરેણાં નથી. વ્યાપક જાહેરહિત માટે અધિકારોનો ઉપયોગ કરો. માત્ર નોટિસો અને આદેશ જારી ન કરો. અરજદારો પી. એન. શર્મા અને કેપ્ટન ગુરવિન્દર સિંહે અરજીમાં જણાવ્યું છે કે ‘નોટ ફોર વોટ’ કહેવાતા ચૂંટણીવચનો લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123નું ઉલ્લંઘન છે. બંધારણ શ્રમ કે ઉત્પાદકતા વિના રોકડ આપવાનું સમર્થન નથી કરતું. બધા પક્ષો ચૂંટણીઢંઢેરામાં આવું કરવા માંડશે તો મતદારોનો બહુ મોટો વર્ગ શ્રમથી દૂર થઇ જશે.
કોંગ્રેસની ન્યાય યોજનાનો ઉલ્લેખ: અરજીમાં ટીડીપી અને કોંગ્રેસને પક્ષકાર બનાવાયા છે. જણાવાયું છે કે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં મતદારોને ન્યાય યોજના હેઠળ વાર્ષિક 72 હજાર રૂ. આપવાનું વચન આપ્યું હતું. ટીડીપીએ 2 લાખ રૂ. આપવાની જાહેરાત કરી હતી