આખરે જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અગ્રણી વ્યાપારી સંસ્થા જામનગર ચેમ્બર ઓફ કોમર્સની પહેલથી જિલ્લાના તમામ વ્યાપારી એસોસિએશને સ્વૈચ્છિક લોકડાઉન અંગે સહમતિ દર્શાવતા આગામી ગુરૂવાર રાત્રિના 8 વાગ્યાથી શુક્ર-શનિ-રવિ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જામનગર શહેરની ચાર મુખ્ય સંસ્થાઓના પ્રમુખો ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, સીડ્ઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલા તથા જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્નાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.