જામનગરના અમૂક ચોકકસ વિસ્તારો સહિત સમગ્ર શહેરના રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિજ જોડાણોમાં વિજચોરીની વાત કોઇ માટે નવી નથી. વિજચોરી વર્ષના 365 દિવસ ચાલતી રહેતી હોય છે. તંત્ર પોતના ટાઇમટેબલ પ્રમાણે વિજ ચેકિંગના કામો કરતા હોય છે અને કાગળીયા તૈયાર કરતાં હોય છે. કાગળીયા તૈયાર કરવામાં પણ ઘણાં પ્રકારની કારીગીરીને અવકાશ હોય છે. આ બધી બાબતો વચ્ચે શહેરમાં ત્રણ દિવસથી સતત વિજ ચેકિંગ ચાલી રહ્યું છે.
સવારે 07 થી 09/10 વાગ્યા સુધી નગરજનો પોતાની રોજિંદી ક્રિયાઓમાં વ્યસ્ત હોય છે ત્યારે ‘લશ્કર’ સાથે વિજ અધિકારીઓ ત્રાટકતા હોય છે અને પ્રમાણિક વિજગ્રાહકોને આ ચેકિંગ દરમ્યાન અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડતો હોય છે. સામાન્ય રીતે કયાં વિસ્તારમાં વધારે વિજ ચોરી થઇ રહી છે. તે સ્થાનિક અધિકારીઓને મોટે ભાગે ખ્યાલ જ હોય છે. પરંતુ સૌ જાણે છે. વિજ ચેકિંગ સિવાયના દિવસોમાં વિજ ચોરો નિશ્ર્ચિંત હોય છે. હોશિયાર અને સંપર્કો ધરાવતા વિજચોરો ચેકિંગમાં ઝડપાઇ ગયા પછી પણ અદાલતી કાર્યવાહીમાં અથવા તે પહેલાં સાંગોપાંગ આખા કૂંડાળામાંથી બહાર આવી જતાં હોય છે. પરચૂરણ વિજચોરોએ નિયમ મૂજબ દંડ-બિલ ભરવા પડતાં હોય છે. વિજચેકિંગ સારી બાબત હોવા છતાં નિષ્ઠા પૂર્વક સમગ્ર વર્ષ દરમ્યાન તંત્ર એલર્ટ રહે એવું પ્રમાણિક વિજગ્રાહકો ઇચ્છે છે. કારણ કે, વિજ ચોરીની આખરી નુકસાની પ્રમાણિક વિજગ્રાહકોના શિરે આવતી હોય છે તે સૌ જાણે છે.
આજે ચેકિંગના ત્રીજા દિવસે અધિક્ષક ઇજનેર સી.કે.પટેલની સુચના મૂજબ અને શહેર કાર્યપાલક ઇજનેર વિભાગ-1ના માર્ગદર્શન પ્રમાણે તંત્રની 45 ટીમોએ શહેરના પાંચ મુખ્ય સબડિવિઝન દરબારગઢ, પટેલ કોલોની, સાત રસ્તા, ખંભાળિયા ગેઇટ અને ઉદ્યોગનગર સબડિવિઝન હેઠળના ટીટોડીવાડી, દિગ્વીજય પ્લોટ, યાદવનગર તથા વુલનમીલ સહિતના વિસ્તારોમાં આજે શુક્રવારે સવારે 07 થી 9.30 દરમ્યાન વિજ જોડાણો તપાસવામાં આવ્યા હતાં.
આ વિજ ચેકિંગની કામગીરીમાં 45 ટીમ, 25 લોકલ પોલીસ, 10 જીયુવીએનએલ પોલીસકર્મી તથા 12 એકસ આર્મીના જવાનો જોડાયા હતા. આજની ચેકિંગની કામગીરીની વિગતો તંત્ર દ્વારા તૈયાર થઇ રહી છે. જે બપોરે મોડેથી જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુુધવાર તથા ગુરૂવાર દરમ્યાન શહેરમાંથી વિજતંત્રએ અડધા કરોડથી વધુની રકમની વિજચોરી ઝડપી લઇ વિજચોરોને અનિયમિતતાઓ અને ગેરરીતિઓ બદલ આ રકમના પૂરવણી બીલો ફટકાર્યા છે. માર્ચ મહિનો હોય ઉપરની ઓફિસેથી આપવામાં આવેલાં ટાર્ગેટને પૂર્ણ કરવા માટે તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે. કારણ કે, પાછલાં દિવસોમાં ચૂંટણીઓના કારણે તંત્ર આ કામગીરી કરી શકયું ન હતું.