જામનગરમાં આવેલ સપડા ગણપતિ મંદિર વર્ષો જુનું પ્રાચીન મંદિર છે. ત્યારે અહીં રોજે અનેક દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય છે. પરંતુ સપડા મંદિર જવાનો જે ઢાળનો રસ્તો છે તે બિસ્માર હાલતમાં હોય લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. પરિણામે આ રસ્તાનું સમારકામ કરાવવા માટે માંગ ઉઠી રહી છે.
જામનગર જીલ્લામાં આવેલ સપડા સિદ્ધિવિનાયક મંદિરે રોજે અને ખાસ કરીને ગણેશચતુર્થીના તહેવારોમાં જામનગર જીલ્લા સહીત અન્ય જીલ્લાઓમાંથી પણ અનેક ભાવિકો આવતા હોય છે. પરંતુ મંદિર જવાનો જે ઢાળ છે તે રસ્તો બીસ્માર હાલતમાં હોય અનેક દર્શનાર્થીઓને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. અને વચ્ચે ખાડા-ખડબાઓ આવેલ હોવાથી ઘણી વખત અનેક વાહનો રસ્તા નીચે ઉતરી ગયા છે અને નાના અકસ્માતો સર્જાતા રહે છે.
સિદ્ધિવિનાયક મંદિરના પુજારી દ્રારા પણ જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવાથી સપડાના પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનો હલ આવ્યો નથી. તેવામાં વરસાદમાં પણ પ્રકૃતિનો આનંદ લેવા માટે અનેક લોકો મંદિરની મુલાકાતે આવતા હોય છે તેમજ ગણેશચતુર્થીનો તહેવાર પણ નજીક આવી રહ્યો હોય અને આ દિવસોમાં ભાવિકોની ભીડ એકઠી થતી હોવાથી અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાકીદે આ રોડનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.