ધ્રોલ ગામમાં ખારવા ચોકડી નજીક પ્રોવિઝન સ્ટોરના દુકાનદારએ ઉધારીના રૂપિયાની માંગણી કરતાં ઉશ્કેરાયેલા બે શખ્સોએ દુકાનદાર ઉપર લાકડાંના ધોકો બતાવી ગાળો કાઢી, હાથપગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
View this post on Instagram
હુમલાના બનાવની વિગત મુજબ ધ્રોલ ગામમાં ખારવા રોડ પર આવેલી દ્વારકાધીશ સોસાયટીમાં રહેતાં અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા વિજયભાઇ થોભણભાઇ ગડારા (ઉ.વ.35) નામના વેપારી યુવાન તથા તેનો ભાઇ ગઇકાલે સાંજના સમયે તેમની દુકાન પર હતા ત્યારે મનિષ ઉર્ફે કબૂતર પરમાર નામનો શખ્સ વિજયભાઇની દુકાને આવ્યો હતો. બે સિગરેટ ઉધારીમાં લઇને જતો હતો. ત્યારબાદ ફરીથી ઉધારીમાં સિગરેટ માંગતાં વેપારીએ, “પહેલાં આગળના પૈસા આપો પછી બીજી વસ્તુ આપું.” તેમ કહેતાં મનિષએ ઉશ્કેરાઇને, “તું અહીંયા જ રહેજે. તારા રૂપિયા આપું છું.” તેમ કહીને જતો રહ્યો હતો. થોડીવાર પછી એક્ટિવામાં મનિષ અને માંડા જુંજા નામના બે શખ્સોએ આવીને વેપારી વિજયભાઇ અને તેના ભાઇ મહેશ સાથે જેમ ફાવે તેમ ગાળાગાળી કરી હતી. હાથપગ ભાંગી નાખવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી.
ધ્રોલમાં વેપારી સાથે લુખ્ખાગીરી કરનાર બન્ને શખ્સો વિરૂઘ્ધ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. આર. એ. કુબાવત તથા સ્ટાફએ બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


