કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગઇકાલે જામનગરની મુલાકાતે આવ્યા હતાં તેમની આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા સંમેલન યોજાયા બાદ પ્રજાના પ્રશ્ર્નોને લઇ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમની આ મુલાકાત દરમિયાન યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ ગઇકાલે જામનગર આવ્યા હતાં. તેઓ સૌપ્રથમ જામનગર સર્કિટહાઉસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. 12ના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા તેમને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે તેમનું સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ યુવક કોંગ્રેસ જામનગર અને એનએસયુઆઇ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના લાલબંગલા નજીક આવેલ સર્કિટ હાઉસ ખાતેથી જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સુધી આ બાઇક રેલી યોજાઇ હતી. ચેમ્બર હોલ ખાતે તેમનું શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્ેદારોએ સ્વાગત સન્માન કર્યું હતું. ત્યારબાદ તેમણે કોંગે્રસના હોદ્ેદારો, કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોંગ્રેસના હોદ્ેદારો, કાર્યકરો સાથે સંવાદ યોજ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાથ-સે-હાથ જોડો પદયાત્રા જોડાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શહેર-જિલ્લાના કોંગ્રેસના હોદ્ેદારો, કોર્પોરેટરો, કાર્યકરો જોડાયા હતાં. આ યાત્રા ચેમ્બર ઓફ કોમર્સથી કલેકટર કચેરી ખાતે પહોંચ્વાની હતી. પરંતુ યાત્રા પહોંચે તે પૂર્વે અધિક કલેકટર દ્વારા કલેકટર કચેરીના 100 મીટરના દાયરામાં આંદોલન સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હોય, આ કાર્યક્રમ ટૂંકાવ્યો હતો અને રેલી કલેકટર કચેરીના 100 મીટર અગાઉ જ પુરી જાહેર કરવામાં આવી હતી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ત્યાંથી જ રાજપૂત સમાજના કાર્યક્રમમાં ચાલ્યા ગયા હતાં. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, ડો. દિનેશ પરમાર સહિતના દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રજાના વિવિધ પ્રશ્ર્નો અને મુશ્કેલીઓ, સમસ્યાઓને લઇ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગરની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ ખૂબ ઉંચા હતાં. પરંતુ ગેસના બાટલાના ભાવ 415 રૂપિયાથી વધવા દીધા ન હતાં. આજે ભાજપાની સરકારમાં ગેસનો બાટલો રૂા. 1100ને પાર થયો છે. હવે ચૂંટણી નજીક આવી છે. ત્યારે ગેસના બાટલાના ભાવો ઘટાડાયા છે. કોંગ્રેસની સરકારમાં ગુજરાતમાં 18-18 કલાક વિજળી આપતા હોવાના પુરાવાઓ છે.
ગઇકાલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જામ્યુકો વિરોધપક્ષ નેતા ધવલ નંદા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, એનએસયુઆઇના પ્રમુખ, કોંગ્રેસના કોર્પોરેટરો, હોદ્ેદારો, કાર્યકરો તેમજ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇના હોદ્ેદારો, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.