દેવભૂમિ દ્વારકા ખાતે તાજેતરમાં આહિર મહિલાઓ દ્વારા આહીરાણી મહારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારાસ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ઉપલેટા ખાતે રહેતા પ્રવિણાબેન રાજેશભાઈ નંદાણીયા પણ જોડાયા હતા. તેઓ દ્વારકાના કાનદાસ બાપુના આશ્રમ પાસે એક અજાણી પરીક્ષામાં બેસી અને ચોક્કસ સ્થળે ઉતર્યા હતા. પરંતુ તેઓ રિક્ષામાં તેમનું એક બેગ ભૂલી ગયા હતા.
તેમના આ પર્સમાં આશરે પાંચેક તોલા જેટલા સોનાના દાગીના તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓ હતી. ખોવાઈ ગયેલી આ બેગ અંગેની જાણ તેમને સ્થાનિક પોલીસને કરતા આ બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી, સી.સી. ટી.વી. કેમેરા તેમજ અન્ય બાતમીદારો મારફતે રીક્ષાની સગડ મેળવી હતી.
જેમાં રીક્ષા ચાલકની ભાળ મળતા અને આ રીક્ષા ચાલક ખંભાળિયા ખાતે રહેતા હોય, પોલીસ દ્વારા ખંભાળિયા જઈ અને રિક્ષામાં રહેલું ઉપરોક્ત મહિલાનું પર્સ મેળવી અને પ્રવિણાબેન નંદાણીયાને સુપ્રત કર્યું હતું. આમ, આહિરાણી મહારાસમાં કિંમતી દાગીના સહિતની વસ્તુઓ સાથેનું પર્સ મહિલાએ પરત મેળવીને રાહતની લાગણી અનુભવી હતી. સાથે સાથે પોલીસ તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.