દેશભરમાં વેક્સીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે યોગદિન નિમિતે વેક્સિનેશનના મહાઅભિયાનમાં 70 લાખ લોકોએ વેક્સિન લઇને તમામ રેકોર્ડ તોડ્યા છે. આરોગ્ય સેતુ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સોમવારે સવારથી સાંજના 5 વાગ્યા સુધીમાં દેશના 70 લાખ લોકોને રસી આપવામાં આવી છે. આ પહેલાં ક્યારેય એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી ન હતી. કોરોના સામેની લડતમાં રસી સૌથી અસરકારક હથિયાર છે.
કેન્દ્ર સરકાર દ્રારા આજથી દેશના 18 વર્ષથી ઉપરના તમામ લોકોને ફ્રી માં વેક્સિન આપવામાં આવી રહી છે. આ અંગે પીએમ મોદીએ થોડા દિવસ અગાઉ જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવી છે. દેશમાં વેક્સીનના કુલ ઉત્પાદનનો 75% હિસ્સો સરકાર ખરીદશે અને 25% પ્રાઈવેટ હોસ્પિટલ ખરીદશે. આજે સવારથી જ રસીકરણ અભિયાન પુરજોશથી ચાલી રહ્યું છે અને આજે 5 વાગ્યા સુધીમાં વેક્સીનના 70લાખ ડોઝ આપવામાં આવ્યા છે.
આજ સુધી 18થી44 વર્ષના લોકોને રસી આપવાનું કામ રાજ્ય સરકારે કરવાનું હતું જેને આજથી કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લીધું છે. ભારતમાં અત્યાર સુધી 27 કરોડથી પણ વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યારે ચીને વેક્સિનેશન મામલે મોટો દાવો કર્યો હતો. ચીનના નેશનલ હેલ્થ કમિશન કહેવું છે કે દેશમાં અત્યારસુધીમાં કોરોના વેક્સિનના એક અબજથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. જો ચીનનો આ દાવો ખરેખર સાચો હોય તો વિશ્વમાં વેક્સિનેશનમાં ચીન પ્રથમ ક્રમે ત્યાર બાદ અમેરિકામાં 31 કરોડ અને ભારતમાં 27 કરોડથી વધારે લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.