દેશમાં સતત બીજા દિવસે 60 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. 21 જૂનથી શરૂ થયેલા મેગા વેક્સિનેશન ડ્રાઇવ અંતર્ગત છેલ્લા 4 દિવસમાં 2.70 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. 21 જૂનના રોજ રેકોર્ડ 90.86 લાખ, 22 જૂનના રોજ 54.22 લાખ, 23 જૂને 64.83 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. ગુરુવારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 8.51 લાખ ડોઝ લગાવવામાં આવ્યા હતા. આ અગાઉ 22 જૂને અહીં 8 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. 7.44 લાખ ડોઝ સાથે મધ્યપ્રદેશ બીજા ક્રમે રહ્યું હતું. મધ્યપ્રદેશમાં છેલ્લા 4 દિવસમાં 33 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.
આમાંના અડધાથી વધુ એટલે કે 17 લાખ ડોઝ 21 જૂને લગાવવામાં આવ્યા હતા. આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્રમાં 4-4 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 3 લાખથી વધુ વેક્સિનવાળાં રાજ્યોમાં કર્ણાટક, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. પાટનગર દિલ્હીમાં માત્ર 1.57 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ભારતે છેલ્લા 4 દિવસમાં જેટલા લોકોનું વેક્સિનેશન કર્યું છે એના કરતાં વધુ વસતિ દુનિયામાં માત્ર 50 દેશોમાં છે. 185 દેશની વસતિ આ કરતાં ઓછી છે. આ દરમિયાન ભારતે ઓસ્ટ્રેલિયા અને ઉત્તર કોરિયા કરતાં વધુ વસતિને વેક્સિન આપી દીધી છે. ઉત્તર કોરિયાની વસતિ 2.57 કરોડ છે અને ઓસ્ટ્રેલિયાની વસતિ 2.54 મિલિયન છે.