દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગામડાંઓમાં બોકસાઇટના ખનિજના જથ્થાના ઇ-ઓકશન માટે અરજદારો દ્વારા બ્લોક બનાવવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં હાલ સંખ્યાબંધ ફાઇલો ગાંધીનગર ઉદ્યોગ કમિશન કચેરીમાં સંશોધન કામગીરી માટે પડતર પડેલ છે. જેને તાત્કાલિક અસરથી ઇ-ઓકશન પ્રક્રિયામાં સંશોધન-સર્વેની કામગીરી વ્હેલી તકે ખાનગી એજન્સીની નિમણુંક થાય તે માટે ઘટતું કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી-મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી, વિરપર, મેવાસા, મહાદેવીયા, નંદાણા વગેરે ગામોમાં આવેલ બોકસાઇટના ખનિજના જથ્થાના ઇ-ઓકશન માટે અરજદારો દ્વારા બ્લોક કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે. હાલ સંખ્યાબંધ ફાઇલો ગાંધીનગર ખાતે ઉદ્યોગ કમિશન કચેરીમાં સંશોધન અને સર્વેની કામગીરી આગળ વધારવા માટે પડતર પડેલ છે અને કમિશનર કચેરી દ્વારા સંશોધન અને સર્વેની કામગીરી માટે ખાનગી એજન્સી નક્કી કરવા માટે વિલંબ થઇ રહ્યો છે.
જો બ્લોકની પ્રક્રિયાને ઝડપભેર ગતિશિલ બનાવવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના 25 હજાર લોકોને રોજીરોટીની તક મળી રહે તેમજ સરકારને રોયલ્ટીના નાણાથી રાજ્યને કરોડો રૂપિયાની આવક મળી શકે તેમ છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ધંધાકીય વેગ મળી શકે તેમ છે. તો ઉદ્યોગ કમિશનર કચેરીને ઇ-ઓકશનની પ્રક્રિયામાં સંશોધન અને સર્વેની કામગીરી માટે વહેલી તકે ખાનગી એજન્સીની નિમણૂંક કરી આપવા માટે દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ ખિમભાઇ જોગલે લેખિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા દેવભૂમિ દ્વારકાના પ્રભારી-મંત્રી કુંવરજીભાઇ બાવરીયાને પણ રજૂઆત કરવામાં આવી છે.