દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહેર વસાવવા જાણે મેઘરાજા કંજુસાઈ કરી રહ્યા હોય તેમ મુશળધાર વરસાદ વરસતો નથી. કલ્યાણપુર તાલુકાને બાદ કરતા અન્ય ત્રણ તાલુકાઓમાં ભારે ઝાપટા વરસ્યા હતા.
કલ્યાણપુર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 45 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે કુલ 357 મીલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ 43.17 ટકા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મહદ અંશે મેઘ વિરામ રહ્યો હતો અને ઉઘાડ સાથે બફારાનો જેવો માહોલ છવાયો હતો. પરંતુ આજે સવારે મેઘરાજાના મંડાણ થયા હતા અને સવારના દસ વાગ્યા સુધીમાં ભારે ઝાપટા રૂપે 22 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં કુલ વરસાદ 313 મિલિમીટર થયો છે. સવારે ગરમી ભર્યા માહોલ વચ્ચે ઉઘાડ થયો હતો અને સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. ધીમીધારે વરસેલા ઝાપટા ખેતરોમાં ઊભા મોલ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા તાલુકામાં ગત સાંજે ભારે ઝાપટા રૂપે મેઘમહેર વરસી હતી. ગત રાત્રીના 10 મીમી બાદ આજે સવારે પણ દસ મિલીમીટર મળી, દ્વારકા તાલુકાનો કુલ વરસાદ 145 મિલીમીટર થયો છે.
ભાણવડ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર પાંચ મીમી વરસાદ સાથે કુલ 186 મીલીમીટર વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં કાચા સોના જેવો વરસાદ વરસ્યો છે. આ જ રીતે અન્ય તાલુકાઓમાં પણ હજુ મુશળધાર વરસાદની રાહમાં લોકો છે.
ધૂપ-છાંવ વચ્ચે દ્વારકા જિલ્લામાં બે ઈંચ સુધીનો વરસાદ
કલ્યાણપુરમાં બે, ખંભાળિયામાં એક ઇંચ વરસાદ