રાજયમાં વિધાનસભા ચૂંટણીના આડે એક વર્ષ જેવો સમય બાકી રહ્યો છે ત્યારે અસ્તિત્વમાં આવેલી ભાજપાની બ્રાન્ડ ન્યુ સરકાર બરાબરની કામે લાગી ગઇ છે. રોજે-રોજ લોકઉપયોગી નિર્ણયો લઇને સરકારની છબી સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી દ્વારા આગામી 1 થી 10 ઓકટોબર સમગ્ર રાજયમાં માર્ગ મરામત મહા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજયમાં માર્ગ મરામતનું અભિયાન હાથ ધરવામાં આવશે. આ માટે એક વિશેષ પહેલ કરીને વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર ઉપર જે-તે વિસ્તારના લોકો માર્ગ પરના ખાડાનો ફોટો પાડીને વિગતો સાથે મોકલી શકશે. વિભાગ દ્વારા તેના પર તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે.
રાજયના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જાહેર કરેલાં આ મહાઅભિયાન અંતર્ગત ચોમાસામાં માર્ગોમાં પડેલા ગાબડાં પૂરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તેમણે આ માટે એક વોટસએપ નંબર 99784 03669 જાહેર કર્યો છે. લોકોએ આ નંબર ઉપર જે-તે વિસ્તારના માર્ગોની બદતર હાલત અથવા તો ખાડાઓનો ફોટો પાડી મોકલી દેવાનો રહેશે. સાથે પોતાનું નામ, નંબર, સ્થળ, ગામ, તાલુકો, જિલ્લો અને પીનકોર્ડ નંબર સહિતની વિગતો મોકલવાની રહેશે. લોકો દ્વારા મોકલવામાં આવતી વિગતોને આધારે માર્ગ મકાન વિભાગ દ્વારા તુરંત મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.
માર્ગ મકાન વિભાગ મંત્રીનું અનોખું અભિયાન
માર્ગ પરના ખાડાની મરામત માટે 99784 03669 ઉપર ફોટો વોટસએપ કરો