ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે દર્દીઓને બેડ મળી રહ્યા નથી.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી 900 બેડ હોસ્પિટલ તૈયાર કરાઇ છે.અમદાવાદના જીએમડીસી કન્વેનશન હોલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઇ છે.આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ DRDO દ્વારા તૈયાર કરેલ હોસ્પિટલનું નિરીક્ષણ કરવા પહોચ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત છે.
અમિત શાહ હોસ્પિટલની સમીક્ષા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ, સારવાર, ઓક્સિજન, દવા અને હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે બેડની સ્થિતિ જેવા અનેકવિધ મુદ્દાઓ પર આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું.
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત અહીં દર્દીઓ અને તબીબો તથા પેરામેડિકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે.
આ ઉપરાંત અમિત શાહ આજે બે લેબોરેટરી વાન અને 8 એમ્બ્યુલન્સ પણ શરુ કરાવશે. આ લેબોરેટરીમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ સહીતની સુવિધાઓ હશે. આ ઉપરાંત ગૃહમંત્રી આજે એક આઈસીયુ ઓન વ્હીલ્સ ખુલ્લી મુકશે જેમાં વેન્ટીલેટર અને ઓક્સીજન સહીતની તમામ સુવિધાઓ હશે.