કેન્દ્રીય બજેટ પ્રગતિના સિમાચિહ્નો પાર કરતા ભારતના સર્વાગી વિકાસને સુનિશ્ર્ચિત કરનારૂ અને એમ.એસ. એમ.ઇ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે. તેમ જણાવી સાંસદ પૂનમબેનએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારમનનો આભાર વ્યકત કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રસ્તુત થયેલુ વર્ષ 2026-27નું બજેટ પ્રગતિના સીમા ચિહ્નો પાર કરતા ભવ્ય ભારતના સર્વાંગી વિકાસને સુનિશ્ર્ચિત કરનારૂ છે. તેમ સંસદસભ્ય પૂનમબેન માડમએ એક નિવેદનમાં જણાવી ઉમેર્યું છે કે એમ.એસ એમ.ઇ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઇ નવા કર વેરા ન હોવાથી અને મંજુરીઓનું સરળીકરણ બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે તેમજ કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલુ આ નવ્ય ઉર્જાસભર અંદાજપત્ર, ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શક્તિ, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજીક સશક્તિકરણ પુરૂ પાડશે અને એકંદરે ટકાઉ આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ અને સબકા સાથ, સબકા વિકાસના એમ ત્રણ કર્તવ્યો સાથે વિકસિત ભારત તરફ કેન્દ્રિત આ રોડમેપ રાષ્ટ્રના સર્વાગી વિકાસને અંકિત કરે છે.
12-જામનગર લોકસભા ક્ષેત્રના સંસદસભ્ય પૂનમબેન માડમએ, સંસદમાં તારીખ 1 લી ફેબ્રુઆરીના રજુ થયેલા આ અંદાજપત્ર અંગે વિશેષમાં જણાવ્યુ હતુ કે યુવા શક્તિ સંચાલિત અંદાજપત્રમાં ગરીબો, વંચિતો, અન્નદાતા, અનુસુચિત જાતિ-જનજાતિ, મહિલાઓના લાભ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના સરકારના ’સંકલ્પ’ને સાકાર કરે છે અને પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે.બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે, ત્રીજું કર્તવ્ય, સબકા સાથ, સબકા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે. “ઇઝ ઓફ ડુઇંગ” અને ” ઈઝ ઓફ લીવીંગ”ને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ ઇન્ફાસ્ટ્રક્ચર, પર્યાવરણીય પ્રગતિ, આર્થીક સુધારાઓ, ટેરીફના ઘટાડા સહિતની સંખ્યાબંધ જનસુખાકારીની બાબતો અર્થતંત્રની દ્રષ્ટીએ ક્રાંતિકારી પહેલ ગણાય છે જેનું લક્ષ્ય “વિકસિત ભારત”ના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનું છે.
ઉમળકાભેરના આ પ્રતિભાવોમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ એમ પણ કહ્યુ હતુ કે, આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાનું દ્રઢ દિશાસૂચન કરે છે.
વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફના દ્વાર ખોલે છે. સાથે સાથે “ફીટ ઇન્ડીયા”, “હેલ્ધી ઇન્ડીયા” સાથે જામનગના ડબલ્યુએચઓના ટ્રેડીશનલ મેડીસીન સેન્ટરને સંશોધનની દ્રષ્ટીએ મહત્વ આપતા તેમજ “ગ્રીન ઇન્ડીયા”ને મજબુતી પ્રદાન કરતું આ બજેટ “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” અભિયાનોને વેગ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે. આઇ.ટી.અને એ.આઇ. સાથે ઉભરતા ઉદ્યોગો, ઉભરતા વિવિધ ક્ષેત્રોને મજબૂત સમર્થન પૂરું પાડવાની બાબતો આ બજેટમાં અભૂતપૂર્વ રીતે વણી લેવાઇ છે નાના અને મધ્યમ વેપાર-ધંધા-ઉત્પાદનથી રાષ્ટ્રના અર્થ તંત્રને વધુ વેગ મળે તે દ્રષ્ટી સાથે, આવકવેરા સહિત ડ્યુટીઓ, શેષ અને ચાર્જીસનું નવુ માળખું તૈયાર કરાયુ છે ઉપરાંત રોજ બ રોજના જીવન જરૂરીયાતના દરેક વર્ગ માટેના પાસાઓના સુભગ સમન્વય સાથે સુવિધાઓ-પ્રગતિ અને સુરક્ષાને સુનિશ્ચિત કરતા આ અંદાજપત્ર દેશના કરોડો નાગરીકોના હ્રદયને સ્પર્શનારૂ બની રહેશે તેની મને ખાત્રી છે તેમ સંસદસભ્ય પૂનમબેન માડમએ આ નિવેદનના અંતમાં જણાવ્યુ છે.


