કાલાવડ ગામમાં જીવાપર રોડ પર આવેલી મોમાઈકોલોનીમાં રહેતા યુવકે ઘણાં સમયથી કોરોના મહામારી કપરાકાળમાં કોઇ કામ ધંધો મળતો ન હતો જેના કારણે જિંદગીથી કંટાળી જઈ તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા વૃધ્ધ ટે્રકટર ઉપર જતાં હતાં તે દરમિયાન ચકકર આવતા પડી જવાથી ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં જીવાપર રોડ પર આવેલી મોમાઈ કોલોનીમાં રહેતા અને મજૂરીકામ કરતા સાગર હંસરાજભાઈ મકવાણા (ઉ.વ.20) નામના યુવકને કોરોનાના કપરા કાળમાં ઘણાં સમયથી કોઇ કામધંધો મળતો ન હતો અને બેરોજગાર હોવાથી ચિંતામાં રહેતો હતો. આ દરમિયાન ગુરૂવારે સવારના સમયે તેના ઘરે જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની મૃતકના ભાઇ જયસુખ દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.જે. ઈસાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને ખેતી કરતા હરદેવસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગુરૂવારે સાંજના સમયે તેના ખેતરમાં ટે્રકટર ચલાવતા હતાં તે દરમિયાન એકાએક ચકકર આવતા નીચે પડી જવાથી ટે્રકટરનું વ્હીલ જમણા પડખાં પરથી ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર પોલીસકર્મી મયુરધ્વજસિંહ દ્વારા કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફેઆગળની કાર્યવાહી હાથ ધરી હતી.