જામનગર શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં ભાણેજને પરેશાન કરતા શખ્સને સમજાવવા જતાં સમાધાન થયાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોજાગેઈટ સોઢાવાડી રોડ પર સાકીબભાઈ બસીરભાઈ વહેવારીયા નામના યુવાનની તરૂણી ભાણેજની ટીટોડીવાડી વિસ્તારમાં રહેતો સાહીદ ઈમ્તિયાઝ ખફી નામનો શખ્સ પાંચ-છ માસ પહેલાં પરેશાન કરતો હતો જે બાબતની જાણ થતા સાકીબભાઈએ સાહીદને સમજાવવા જતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આગેવાનો દ્વારા બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ સમાધાનનો ખાર રાખી મંગળવારે રાત્રિના સમયે સાકીબભાઇને ઘાંચીની ખડકી પાસેના આરોગ્ય કેન્દ્રની બાજુમાં આંતરીને સીદ ઈમ્તિયાઝ ખફી અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી અને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ સાકીબભાઇના નિવેદનના આધારે સાહીદ ખફી સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.