માર્ચ-2020માં કોઇપણ જાતની આગોતરી તૈયારી કે તજજ્ઞોને વિશ્ર્વાસમાં લીધા વગર રાતોરાત લોકડાઉન લાદનાર સરકાર આ વખતે જયારે સંક્રમણને ભયાનક સ્વરૂપ ધારણ કર્યુ છે ત્યારે લોકડાઉન લાદવા માટે શા માટે ઉહું-ઉહું કરી રહી છે. તેઓ પ્રશ્ન આજે લોકમાનસમાં ઉઠી રહ્યો છે. સર્વત્ર એક જ ચર્ચા થઇ રહી છે કે, કોરોના આટલી હદે વકર્યો હોવા છતાં સરકાર લોકડાઉનને લઇને શા માટે આનાકાની કરી રહી છે ? કે જયારે કોરોનાના કેસ સાવ નજીવા હતા ત્યારે પળભરનો પણ વિચાર કર્યા વગર લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. ગુજરાતમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે, રાજ્યમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને કાબૂમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ, ડોકટરોનાં વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે છતાં સરકાર હજુ કોઈ ચોક્કસ નિર્ણય કે ઉકેલ ના લાવતાં પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, સરકાર હજુ કેમ લોકડાઉન નથી કરતી? લોકડાઉન કરવામાં સરકારને શું નડે છે? એ પ્રશ્ન ગુજરાતની જ નહીં પરંતુ દેશભરની જનતામાં ચાલી રહ્યો છે.
ગુજરાતમાં કોરોના પીક પર પહોંચી ગયો છે, જેને કારણે રાજ્યનું આરોગ્યતંત્ર પડી ભાંગ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે, હોસ્પિટલમાં બેડની અછત, દવાની અછત, એમ્બ્યુલન્સની અછત, ટેસ્ટિંગમાં લાઈનો, સ્મશાનમાં પણ ભીડ, દર્દીઓ આમતેમ દોડધામ કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેન તોડવા અને મેડિકલ કટોકટી દૂર કરવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવે એવી લાગણી અને માગણી હાઇકોર્ટથી માંડી ડોકટરો કરી રહ્યાં છે છતાં સરકાર લોકડાઉન કરવામાં અવઢવમાં મુકાઈ ગઈ છે.
લોકડાઉનથી સંક્રમણની ચેઇન તૂટી જ જશે તેવું નથી : નીતિન પટેલ
દિલ્હીમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન લાગુ કરાયું છે પરંતુ ગુજરાતમાં હજુ સરકાર સંપૂર્ણ લોકડાઉન કરવાના મૂડમાં નથી. ડે. સીએમ નીતિન પટેલે લોકડાઉન સંદર્ભે જણાવ્યું હતું કે, લોકડાઉન નાખવાથી સંક્રમણની ચેઇન તૂટી જ જાય તેવો સ્પષ્ટ અભિપ્રાય વૈજ્ઞાનિક કે નિષ્ણાતો આપી શકતા નથી. સંપૂર્ણ લોકડાઉન અંગે વૈજ્ઞાનિકો કે નિષ્ણાતો પણ સ્પષ્ટ અભિપ્રાય આપી શક્યા નથી. ભૂતકાળમાં ગુજરાતમાં પણ લોકડાઉન નાખ્યું હતું અને તે વખતે સંક્રમણની ચેઇન તોડી શક્યા હતા. આ બીજો તબક્કો છે તેના વાયરસની ઝડપ વધુ સંક્રમણ ફેલાવાની છે. અડધો દિવસ બજાર બંધ રાખો અને અડધો દિવસ ભીડ થાય તો તે કેવી રીતે ઉપયોગી થાય તે સમજી શકાતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.
લોકડાઉનની જાહેરાત થતાં જ દિલ્હીમાં દારૂ માટે પડાપડી
દિલ્હીમાં કોરોનાની બેકાબૂ સ્થિતિને જોતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉનની જાહેરાત કરી. આ લોકડાઉન સોમવારે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવાર એટલે કે 26 એપ્રિલ સુધી રહેશે. આ સમાચાર સામે આવતાં જ લોકોએ દારૂ લેવા માટે પડાપડી કરી હતી. દિલ્હીમાં ઘણી જગ્યાએ દારૂની દુકાનોની બહાર લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે. કેટલા લોકો તો દારૂની પેટીઓ લઇ જતાં જોવા મળ્યાં હતાં. લોકોએ લોકડાઉનને પગલે દારૂનો પણ સ્ટોક કરી લીધો છે. લોકડાઉનની જાહેરાત બાદ દારૂની દુકાનોએ થયેલી પડાપડી દરમિયાન કોરોનાના ગાઇડલાઇન્સના ઉલ્લંઘના દ્રશ્યો સર્જાયા હતા. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલનીને લાંબી-લાંબી લાઇનોમાં ઊભા હતા. આ પહેલાં જ્યારે લોકડાઉન બાદ દારૂની દુકાનો ખૂલી હતી, ત્યારે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.