જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રહેતાં યુવાન સહિતના બે વ્યક્તિઓની અર્ટીગા કાર કોન્ટ્રાકટમાં ભાડે ચલાવવા માટે મેળવી અને ભાડા પેટેના એકને 50 હજાર અને એક ને 36 હજાર ચૂકવી બાકીના પૈસા અને ગાડી પરત ન આપી બે શખ્સોએ વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ધરારનગર 1 વિસ્તારમાં રહેતાં ચાંદભાઈ કાદરી નામના ડ્રાઈવિંગ કરતા યુવાનની જીજે-10-ડીઈ-4498 નંબરની પાંચ લાખની કિંમતની અર્ટીગા કાર અને નરેન્દ્રસિંહ જાડેજાની રૂા.6 લાખની કિંમતની જીજે-10-ડીજે-9101 નંબરની અર્ટીગા કાર જામનગરના આસિફ ઉર્ફે જાવીદ સુમારા અને રાજુ ભાનુશાળી નામના બે શખ્સોને તેમના લીમડીમાં રોડ કોન્ટ્રાકટરના કામ માટે ભાડે મેળવવા વિશ્ર્વાસમાં લીધા હતાં અને ચાંદભાઈને તેની કારના એક દિવસના રૂા.3300 અને નરેન્દ્રસિંહની કારના એક દિવસના રૂા.3600 લેખે ભાડે લઇ ગયા હતાં. દરમિયાન ચાંદભાઈના 37 દિવસના ભાડાના રૂા.1,22,000 પેટે માત્ર 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતાં. જ્યારે નરેન્દ્રસિંહના 22 દિવસના ભાડાના રૂા.79,200 પેટે માત્ર રૂા.36000 ચૂકવ્યા હતાં.
જામનગરના બંને યુવાનો પાસેથી તેમની અર્ટીગા કાર ભાડે રાખી અને બંને યુવાનના એક લાખથી વધુની ભાડાની રકમ ચૂકવી ન હોવાથી બંને યુવાનોને ભાડાની રકમની અવાર-નવાર માંગણી કરી હોવા છતાં આ રકમ ચૂકવવામાં આવી ન હતી. તેમજ બંનેની ગાડી પણ પરત આપી ન હતી. જેથી આ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતી જાણ કરાતા પીએસઆઈ વી.ડી.બરસબીયા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.