જામનગર તાલુકાના સીક્કા પોલીસે ચેકિંગ દરમિયાન અમદાવાદમાં ચોરી થયેલી કારનો ભેદ ઉકેલી જામનગરના બે તસ્કરોને દબોચી લઇ કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, અમદાવાદ જિલ્લાના રામોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 માં કારચોરીનો ગુનો નોંધાયો હતો. દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકાના સીક્કા પોલીસ સ્ટેશનના એએસપી અક્ષેસ એન્જીનિયર અને પીઆઈ વી ડી ચૌધરી તથા હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા અને વિજયભાઈ કારેણા સહિતના સ્ટાફ દ્વારા વાહનચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પસાર થતી જીજે-27-ડીએમ-4118 નંબરની સ્વીફટ કારને આંતરીને ચેકિંગ કરતા આ કારના દસ્તાવેજો મળી ન આવતા પોલીસે સેજાદ લતીફ ઈયલ અને ફૈજલ હસન આરબ (રહે. જામનગર) નામના બન્ને શખ્સોની આકરી પૂછપરછ કરતા આ કાર આઠ માસ અગાઉ અમદાવાદમાંથી ચોરી કરાઈ હોવાની કેફિયત આપતા સિક્કા પોલીસે અમદાવાદમાં આઠ માસ પહેલાં થયેલી કારચોરીનો ભેદ ઉકેલી બન્ને શખ્સોને કાર સાથે અમદાવાદ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.


