જામનગરના ગુલાબનગરમાં યુવતીને આરોપીઓએ ઘરે જઇ તારે માતા સાથે સંબંધ રાખવો છે કે તારા પિતા સાથે ? તેમ કહી અપશબ્દો બોલી માર માર્યાની ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર પહેલાં ઢાળીયા પાસે રહેતાં રઝીયાબેન અફઝલભાઈ કુરેશી નામની યુવતીને તેમની જ્ઞાતિના આગેવાન ઈમરાનભાઈ પટેલે ઘરે આવીને કહેલ કે તમારે તમારા કાકા અસલમભાઈ કુરેશી સાથે બેસી તમારા ઘરમાં ચાલતો મનમેળ દૂર કરી આવી તેમ કહેતા તેમના બહેન રેશ્માબેન ઈમરાન પટેલ સાથે આરોપીને ઘરે જતા હતાં ત્યારે વાંજાવાસ પાસે આરોપી અસલમે ફરિયાદીને કહેલ કે તારે તારા માતા સાથે સંબંધ રાખવો છે કે તારા પિતા સાથે ? તેમ કહેતા ફરિયાદીએ કહેલ કે મારે બંને સાથે સંબંધ રાખવો છે. તેમ કહેતા આરોપીઓ અસલમ કુરેશી, યાશ્મીનબેન કુરેશી, ઈનાયત કુરેશી નામના ત્રણ શખ્સો ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ફરિયાદી તથા રેશ્માબેનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.