જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક બ્રીજ નીચેથી પસાર થતા યુવાનને આંતરીને ચાંદીનું કડુ અને મોબાઇલની લૂંટના બનાવમાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે બે શખ્સોને ઝડપી લઇ લૂંટાયેલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક બ્રીજ નીચેથી પસાર થતા યુવાનને રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સોએ આંતરીને હાથમાં પહેરેલું ચાંદીનું કડુ અને મોબાઇલની લૂંટ ચલાવી નાશી ગયાના બનાવમાં સંડોવાયેલા લૂંટારુ અંગેની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પ્રો. ડીવાયએસપી નયના ગોરડિયા, પીઆઇ એ.આર.ચૌધરી, કે.એસ.માણિયા, હેકો યશપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, ખીમશી ડાંગર, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, વનરાજ ખવડ, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણ પરમાર, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહાવીરસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી ખોડિયાર કોલોની શાકમાર્કેટ તરફ આવતા બાતમી મુજબના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી લૂંટ કરાયેલું રૂા.15 હજારની કિંમતનું ચાંદીનું કડલું અને રૂા.10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.25 હજારના મુદ્દામાલ સાથે જયસુખ જેન્તી તંબોલિયા અને ચેતન દેવરામ જાદવ નામના બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.