જામનગર શહેરમાં રહેતાં બે યુવાનોને ઈન્કમટેકસમાં નોકરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ શખ્સે બંને પાસેથી રૂા.1.90 લાખની રકમ પચાવી પાડી છેતરપિંડીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતાં અને પાન મસાલાની દુકાન ચલાવતા ધર્મેન્દ્રગીરી લાભુગીરી ગુસાઈ તથા રીક્ષા ચલાવતા વિપુલભાઈ કરશનભાઈ પરમાર નામના બંને વ્યક્તિઓને જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના વતની અને હાલ જામનગરમાં ખોડિયાર કોલોની એનઆરઆઈ બંગલો વિસ્તારમાં રહેતા વિશાલ હેમંત કણસાગરા નામના શખ્સે વિશ્વાસમાં લઇ બંનેના પુત્રોને ઈન્કમટેકસ વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી નોકરી પહેલાં બોન્ડ પેટે રૂા.1 લાખ જમા કરાવવા પડશે તેમ જણાવી ધર્મેન્દ્રગીરી પાસેથી રૂા.1 લાખ અને વિપુલ પરમાર પાસેથી રૂા.90 હજાર વિશાલે તેના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. આશરે 11 માસ પહેલાં આ રકમ પચાવી પાડયા બાદ વિશાલે છ માસમાં નોકરી મળી જશે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો પરંતુ, છ માસ પૂરા થઈ જતાં બંનેના પુત્રોને નોકરી મળી ન હતી.
જેથી બંને વ્યક્તિઓએ વિશાલનો સંપર્ક કર્યો હતો પરંતુ તેના તરફથી કોઇ ભરોસાલાયક જવાબ મળ્યો ન હતો. આખરે ગજણા ગામના બંને વ્યક્તિઓએ આ બનાવ અંગે સિટી સી ડીવીઝનમાં વિશાલ કણસાગરા વિરુધ્ધ વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે વિશાલ વિરુધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.