જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની પાસે મંગળવારે સાંજના સમયે બે યુવાનો ઉપર જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ અને ધારિયા વડે તથા લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતો દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ (ઉ.વ.23) નામનો યુવાન તેના મિત્ર રાજવીરસિંહ સાથે દિવ્યરાજસિંહને મળવા ગયો હતો તે દરમિયાન અનિલ મેર, ભરત મેર અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એક સંપ કરી દિવલા ડોન ઉપર લોખંડના પાઈપ, લોખંડના ધારિયા અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી હુમલો કર્યો હતો. આ હુમલામાં દિવલો અને તેનો મિત્ર રાજવીરસિંહ રાઠોડ બન્ને ઘવાયા હતાં. ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત દિવલાએ પ્રાથમિક પૂછપરછમાં ચાર શખ્સોએ માર માર્યાનું જણાવતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.