કાલાવડ તાલુકાના બાંગા ગામ નજીકથી સ્થાનિક પોલીસે બે શખ્સોને આંતરીને તલાસી લેતાં તેમના કબજામાંથી રૂા. 16000ની કિંમતના 80 નંગ ચપલા મળી આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જોડિયા તાલુકાના પીઠડ નજીકથી પસાર થતાં શખ્સને પોલીસે રૂા. 1500ની કિંમતની દારુની ત્રણ બોટલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ઓશવાળ હોસ્પિટલ પાછળથી દારુની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી કારમાં દારુના જથ્થા સાથે શખ્સને ઝડપી લઇ દારુ સપ્લાય કરનારની શોધખોળ આરંભી હતી.
દારુ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના બાંગા ગામથી સરાપાદર ગામ તરફ જતાં માર્ગ પરથી પસાર થતાં બે શખ્સોને પીએસઆઇ એચ.વી. પટેલ તથા સ્ટાફે આંતરીને તલાસી લેતાં તેમના કબજામાંથી રૂા. 16000ની કિંમતના 80 નંગ દારુના ચપલા મળી આવતાં પોલીસે કુંવરસિંહ કંદુડીયા કલેશ અને મનહર વલ્લભ ચોવટીયા નામના બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી. બીજો દરોડો જોડિયા તાલુકાના પીઠડ ગામથી રામગઢ જવાના માર્ગ પરથી પસાર થતાં ગિરીરાજસિંહ ઉર્ફે દિગુભા વિક્રમસિંહ જાડેજાને આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા. 1500ની કિંમતની દારુની ત્રણ બોટલ મળી આવતાં પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના ઓશવાળ હોસ્પિટલ પાછળના માર્ગ પરથી પસાર થતાં સુરેશ હિરાનંદ રામનાણી નામના સખ્સને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા. 500ની કિંમતની દારુની બોટલ મળી આવતાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો જામનગર શહેરમાં ખોડિયાર કોલોની નિલકમલ શાક માર્કેટ રોડ પરથી પસાર થતી જીજે-10 ડીજે-0150 નંબરની કારને સીટી-સી ડિવિઝન પોલીસ સાથે આંતરીને તલાસી લેતાં તેમાંથી રૂા. 150ની કિંમતનો 200 એમએલ દારુ મળી આવતાં પોલીસે નિર્મલસિંહ જગદીશસિંહ ઝાલાની રૂા. 10 લાખની કિંમતની કાર અને દારુનો જથ્થો કબજે કરી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારુનો જથ્થો ચિરાગ નંદા દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ આરંભી હતી.