જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક પાસેની આવાસ કોલોનીમાં રહેતા શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.48 હજારની કિંમતની દારૂની 120 બોટલ અને મોબાઇલ ફોન અને કાર મળી કુલ રૂા.2.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની પૂછપરછ હાથ ધરતા કચ્છના બુટલેગરની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના અંધાશ્રમ ફાટક નજીક આવેલી આવાસ કોલોનીમાં બ્લોક નં.41 રૂમ નં.6 માં રહેતા પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા અને હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા અને અંકિત મુકેશ બારોટના કબ્જાની જાયલો કારની તલાસી લીધી હતી.
એલસીબી દ્વારા તલાસી દરમિયાન કારમાંથી રૂા.41 હજારની કિંમતની દારૂની 120 બોટલ અને બે મોબાઇલ મળી આવતા એલસીબીએ દારૂ-મોબાઇલ અને જાયલો કાર સહિત રૂા.2,53,000 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂ કચ્છના બલભદ્રસિંહ ઉર્ફે બાલુભા જાડેજા દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા એલસીબીએ બલભદ્રસિંહની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
જામનગરમાં આવાસ કોલોનીમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
એલસીબી દ્વારા દરોડામાં 120 બોટલ અને કાર મળી રૂા.2.53 નો મુદ્દામાલ કબ્જે : કચ્છના સપ્લાયરની સંડોવણી ખુલ્લી