ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાનું અને કટીંગ ચાલુ હોવાની જાણના આધારે પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ 808 બોટલ દારૂ અને 2363 નંગ બીયરના ટીન અને ત્રણ મોબાઇલ તથા પ્લાસ્ટિકના દાણા ભરેલા 595 બાચકા અને ટ્રક સહિત રૂા.27,54,500 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામના યાસિન ઉર્ફે મોટો હાજી સુમરા અને જામનગરના ગુલાબનગરનો કાસમ અબ્દુલ ખેરાણી તથા ઈમરાન ખેરાણી નામના ત્રણેય શખ્સોએ ભાગીદારીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લૈયારા ગામની સીમમાં આવેલા ચેકડેમ પાસેના ખરાબામાં ઉતાર્યો હતો અને કટીંગ કરવાનું ચાલુ હોવાની ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા, અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન હુશેન ઉર્ફે બાવ અકબર બ્લોચ (રહે.ગુલાબનગર, જામનગર) અને સલીમ ઉર્ફે વસીમ દાઉદ પઠાણ (રહે. અલિયાબાડા, જામનગર) નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં.
પોલીસે બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરતા યાસીન ઉર્ફે મોટો ખેરાણી, કાસમ અબ્દુલ ખેરાણી અને ઈમરાન ખેરાણી દ્વારા દારૂનો જથ્થો દમણથી પ્લાસ્ટિકના દાણાના બાચકાઓ વચ્ચે સંતાડીને લઇ આવવામાં આવ્યો હતો. તે જથ્થાનું કટીંગ ચાલુ હતું તે દરમિયાન પોલીસ ત્રાટકી હતી અને પોલીસે રૂા.3,23,200 ની કિંમતની 808 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો, રૂા.2,36,300 ની કિંમતના 2363 નંગ બીયરના ટીન તેમજ રૂા.5000 ની કિંમતના ત્રણ મોબાઇલ અને રૂા.10 લાખની કિંમતનો જીજે-18-એયુ-8378 નંબરનો ટોરસટ્રક અને રૂા.11.90 લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલા 595 બાચકા મળી કુલ રૂા.27,54,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ દારૂનો જથ્થો દમણથી ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાના બાચકાઓની વચ્ચે સંતાડીને લઇ આવ્યા હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
લૈયારાની સીમમાંથી દારૂ-બીયરના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
પ્લાસ્ટિકના દાણાના બાચકાઓમાં દારૂ લઈ આવ્યા…!!: 808 બોટલ દારૂ અને 2363 નંગ બીયરના ટીન મળી આવ્યાં : ટ્રક અને મોબાઇલ તથા પ્લાસ્ટિકની બાચકાઓ સહિત રૂા.11.90 લાખનો મુદ્દામાલ કબ્જે