જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રાંગડા ગામના પાટીયા નજીકથી પોલીસે રાજસ્થાન પાસીંગના ટ્રકની તલાસી લેતા તેમાંથી 96 બોટલ મળી આવતા પોલીસે ટ્રક અને દારૂ તથા મોબાઈલ સહિત 20 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.
મળતી વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રાંગડા ગામના પાટીયા નજીક આવેલી હોટલ પાસે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે આરજે-19-જીએચ-0862 નંબરના ટાટા ટ્રક ટે્રયલરને આંતરીને તલાસી લેતા ટ્રકમાંથી રૂા.52,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 96 બોટલો મળી આવી હતી. જેથી ચાલક સુમેરલાલ રામનીવાસ સેન (રાજસ્થાન) નામના શખ્સ અને અજય પ્રવિણ મુળિયા (ધ્રોલ-જામનગર) નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.14,000 ની કિંમતના 3 નંગ મોબાઇલ અને દારૂનો જથ્થો તેમજ રૂા.20 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂા.20,66,200 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો રાજસ્થાનના દેવીલાલ નાઇ પાસેથી લઇને ધ્રોલના અજય મુળિયાને સપ્લાય કરવા ગયો તે દરમિયાન બન્ને શખ્સો ઝડપાઈ ગયાં હતાં. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.