જામનગર મહાપાલિકાની 64 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે ચોથો દિવસ છે. દરમ્યાન ગઇકાલે બે ઉમેદવારી પત્ર સાથે ઉમેદવારી નોંધાવવાના શ્રી ગણેશ થયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં 440 જેટલા ફોર્મનો ઉપાડ થયો છે. ગઇકાલે ત્રીજા દિવસે શહેરના વોર્ડ નં. 8 અને 14 માટે એક-એક ઉમેદવારી નોંધાઇ હતી. જામ્યુકોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા 6 ફેબ્રુઆરી છેલ્લો દિવસ ત્યારે હવે માત્ર બે દિવસ બાકી રહયા હોય ઉમેદવારી નોંધાવવા માટે ધસારો થશે.
બીજી તરફ ભાજપાની ઉમેદવારોની યાદી તરફ સૌની મીટ મંડાઇ છે. પાટિલની નવી પોલિસીને કારણે ભાજપમાંથી કોના પત્તા કપાઇ છે અને કોને તક મળે છે ? તેને લઇને ચર્ચાનું બજાર ગરમ થયું છે.
જામનગરના 16 વોર્ડની 64 બેઠક માટે આજના દિવસ બાદ ઉમેદવારી નોંધાવવા માટે માત્ર બે દિવસ જ બાકી રહેશે. કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોની પહેલી યાદી અગાઉ જ જાહેર કરી દેવામાં આવી છે. જયારે ભાજપ તરફથી ઉમેદવારોના નામની યાદી આજે મોડી સાંજ સુધીમાં જાહેર થઇ જવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. ભાજપની નવી પોલિસીને કારણે જામનગરના 10 જેટલા સિનિયર અને પૂર્વ કોર્પોરેટરો ટિકીટથી વંચિત રહેવાની સંભાવનાઓ વચ્ચે કેટલાક સિનિયરો બળવાના મૂડમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. જે પૈકી કેટલાક કોંગ્રેસની ટિકીટ ઉપર તો કેટલાક અપક્ષ લડી લેવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જો કે, આ અંગેનું ચિત્ર મોડી સાંજ બાદ સ્પષ્ટ થઇ જશે. આ ઉપરાંત શહેર ભાજપના પૂર્વ પ્રમુખને શહેરના નવા મેયર તરીકે પ્રોજેકટ કરવાની સંભાવનાઓ પણ સૂત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે. ત્યારે જામનગરના રાજકારણનું સખળડખળ આજે સાંજે જાહેર થનારી ભાજપાની યાદી પર નિર્ભર છે.