કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ભીતિને પગલે ગુજરાતમાં મહા રસીકરણ અભિયાન શરૂ કરાયુ છે પણ સરકાર પાસે જ રસીનો જથ્થો ઉપલબ્ધ નથી. આ કારણોસર રાજ્યમાં ગુરૂવાર અને શુક્રવારે પણ રસીકરણ બંધ રાખવા નક્કી કરાયુ છે. સતત ત્રીજા દિવસે પણ રસી આપવાનું બંધ રહેશે.
કોરોનાથી બચવા લોકો રસી લેવા ઉત્સુક છે. આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં હવે લોકો સામે ચાલીને રસીકેન્દ્ર પર જઇ રહ્યા છે પણ રસીનો જથ્થો જ ઉપલબ્ધ ન હોવાથી લોકોને પરત ફરવુ પડે છે.
બુધવારે પણ મમતા દિવસના બહાનુ આગળ ધરીને આરોગ્ય વિભાગે રસીકરણ બંધ રાખ્યુ હતું. આજે ફરી આરોગ્ય વિભાગે ગુરૂવાર અને શુક્રવારે પણ રસીકરણ કાર્યક્રમ મોકુફ રાખવા નિર્ણય કર્યો છે. સૂત્રોના મતે, ગુજરાતને કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાત કરતાં 40થી વધુ ટકા રસીનો જથ્થો ઓછો ફાળવવામાં આવે છે. ગુજરાતમાં રોજ ચાર લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે પણ કેન્દ્ર સરકાર માત્ર સવા બેલાખ જ રસીના ડોઝ ફાળવે છે જેના કારણે રસીની કામગીરી મંદ પડી છે.
આ તરફ,ખાનગી હોસ્પિટલોએ રસી આપવાનુ શરૂ કર્યુ છે જેના કારણે લોકોએ નાણાં ખર્ચીને ય રસી લેવી પડી રહી છે. ટૂંકમાં ગુજરાતમાં રસીના ધાંધિયા સર્જાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વેક્સિન હોવા છતાં જામનગરમાં રસીકરણ બંધ !
વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં માત્ર રાજય સરકારની સૂચનાને કારણે જામનગર શહેરમાં પણ બે દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જામનગર મહાપાલિકા દ્વારા ગઇકાલે સાંજે શહેરમાં આજે એટલે કે, ગુરૂવારે રસીકરણ માટેની સેશન સાઇટની યાદી પણ જાહેર કરી દેવામાં આવી હતી. તેનો અર્થ એ થયો કે, જામ્યુકો પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ રાજય સરકાર દ્વારા ગુરૂ અને શુક્રવાર એમ બે દિવસ સમગ્ર રાજયમાં રસીકરણ બંધ રાખવાનું નિર્ણય જાહેર કરવામાં આવતાં જામનગર મહાપાલિકાએ પણ જાહેર કરાયેલું રસીકરણ રદ કર્યું હતું. વેક્સિનની અછતને કારણે રસીકરણ બંધ રાખવાનું રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ જે શહેરો અને કેન્દ્રો પાસે રસીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યાં શા માટે રસીકરણ બંધ રાખવામાં આવ્યું તે એક પ્રશ્ન છે.