જામનગર શહેરમાં રહેતા ટ્રાન્સપોર્ટર યુવાનનો મોરકંડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલો રૂા.9,50,000 ની કિંમતનો આઇસર ટ્રક ચોરી કરી ગયાના બનાવમાં પંચકોશી બી ડીવીઝન સ્ટાફે ટ્રક ચોરી કરનાર બે શખ્સોને ભલસાણથી હર્ષદપુર જવાના માર્ગ પરથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી વેરાવળના વતની અને જામનગરમાં રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં અને શિવ રોડવેઝ ટ્રાન્સપોર્ટ ચલાવતા વિજયભાઈ ચંદુલાલ બોડા નામના યુવાનની માલિકીનો રૂા.9,50,000 ની કિંમતનો એચઆર-68-બી-4601 નંબરનો આઈસર ટ્રક અજાણ્યા તસ્કરો ગત તા.18 ના સાંજથી 19 ના સવાર સુધીના સમય દરમિયાન મોરકંડાના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની તપાસ દરમિયાન હેકો નિર્મળસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમિત શિયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર. રાઠવા, પીએસઆઈ એમ.એ. મોરી, એએસઆઈ મહિપાલસિંહ જાડેજા તથા હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા તથા પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા ભયપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિતના સ્ટાફે આ ટ્રક ભલસાણ બેરાજા વાળા વિરમ ઉર્ફે વિરમો નામના શખ્સે ચોરી કર્યો હોવાની બાતમીના આધારે ભલસાણથી હર્ષદપુર જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન એચઆર-68-બી-4601 નંબરનો આઈસર ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને આંતરીને બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા વિરમ ઉર્ફે વિરમ કરણા ભાગરા અને રાજકોટના જયેશ બાબુ રાઠોડ નામના બે શખ્સોની ધરપકડ કરી ચોરાઉ ટ્રક કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.