દ્વારકામાં આવેલા હોમગાર્ડ ચોક્કસ વિસ્તાર નજીક આંખની હોસ્પિટલ પાસે રહેતા અને યજમાનવૃત્તિ કરતા કિશન વસંતલાલ મીન નામના 30 વર્ષના બ્રાહ્મણ શખ્સ દ્વારા હાલ પાકિસ્તાનમાં રમાઈ રહેલી જુદી-જુદી ટીમ વચ્ચેની 20-20 ક્રિકેટ મેચને મોબાઈલ ફોનમાં લાઈવ નિહાળી અને તેના પર સટ્ટો રમતા ઝડપી લઇ, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિત રૂા. 16,260 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત શખ્સ દ્વારા મેચના હારજીતના પરિણામ ઉપર નાણાકીય સોદાઓની કપાત ખંભાળિયામાં નવાપરા ખાતે રહેતા કિરીટ શશીકાંતભાઈ દતાણી પાસે કરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું છે.
આ જ પ્રકારે અન્ય એક કાર્યવાહીમાં દ્વારકા પોલીસે કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા અને યજમાનવૃત્તિ કરતા દીપક લલિતચંદ્ર વાયડા નામના 49 વર્ષના વિપ્ર શખ્સને પણ પાકિસ્તાનમાં રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઇ, મોબાઈલ ફોન સહિત રૂ. 11,240 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં જામનગર માં રહેતા જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ આરોપીને સટ્ટો રમવા માટે આઈ.ડી. આપી, તેની કપાત કરવામાં આવતી હોવાનું જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ પ્રકરણમાં જામનગરના જયરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.