આમરણ-ધ્રોલ હાઇવે પર હજામચોરા ગામ પાસેથી પોલીસે મોટરકારમાંથી 519 નંગ દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ રૂા. 6,37,725નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ આમરણ-ધ્રોલ નેશનલ હાઇવે તરફથી એક વર્ના કારમાં અમુક શખ્સો દારૂનો જથ્થો લઇ હજામચોરા તરફ આવી રહ્યાં હોવાની ધ્રોલ પોલીસ સ્ટેશનના હે.કો. જયેશભાઇ દલસાણિયા, જતિનભાઇ ગોગરા, સંજયભાઇ મકવાણા તથા ભગીરથસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પીઆઇ એચ. વી. રાઠોડ, પીએસઆઇ એમ. એમ. કુંભારવાડિયા હે.કો. જયેશભાઇ દલસાણિયા, જતિનભાઇ ગોગરા, સંજયભાઇ મકવાણા, ભગીરથસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન એક કારચાલકે પોતાની કાર રિવર્સ લઇ, યુ-ટર્ન મારી હાઇવે તરફ નાશી જતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. જીજે03 એલબી 1319 નંબરની મોટરકારમાંથી અબ્દુલ ઉર્ફે સોપારી અનવર ભટ્ટી, અરમાન ઇકબાલ જુણેજા નામના બે શખ્સોને રૂા. 3,07,725ની કિંમતની 519 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લીધા હતાં. પોલીસે મોટરકાર તથા દારૂનો જથ્થો અને રૂા. 30 હજારની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 6,37,725નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપી પૈકી અબ્દુલ વિરૂઘ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે. તેમજ અરમાન વિરૂઘ્ધ મોરબી તાલુકામાં પ્રોહિબિશનના બે કેસો નોંધાયેેલા છે.


