ભૂજ એસીબીની ટીમે ભચાઉના પીઆઇ અને રાઇટરને રૂા.પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીઆઇ અને રાઇટર લાંચ લેતા ઝડપાતા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગત મુજબ આ કેસના ફરિયાદીએ ખાનગી વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. ત્યારબાદ વ્યાજની ઉઘરાણી માટે ખાનગી વ્યક્તિઓ દ્વારા હેરાનગતી અને કનડગત રહેતી હોય તેઓ વિરૂધ્ધ ફરિયાદીએ વ્યાજખોરી વિરૂધ્ધની ઝુંબેશ અંતર્ગત ફરિયાદ નોંધાવવા ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇનો સંપર્ક કર્યો હતો. આ અંગે પીઆઇ એ. બી. પટેલ એ ફરિયાદીની ફરિયાદ દાખલ કરવા માટે રૂા.પાંચ લાખની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા તેમની ફરિયાદને આધારે ગઇકાલે ગુરૂવારે ભૂજ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ એસીબી પીઆઇ વી.એચ.વાઘેલા સહિતની ટીમ દ્વારા છટકુ ગોઠવી પીઆઇ એ.બી.પટેલ વતી રાઇટર સરતાન કરમણ કણોલને રૂા.પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતાં.
એસીબી દ્વારા પીઆઇ એ.બી.પટેલ તથા રાઇટર સરતાન કણોલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.