જામનગર તાલુકાના હાપા નજીક ઈસ્કોન મંદિર પાસે રહેતો યુવાન તેના મિત્ર સાથે જામનગર શાકભાજી લઇ પરત જતો હતો ત્યારે નવવાલા વાંજાવાસ પાસે પુલિયા પરથી પસાર થતો હતો તે દરમિયાન પાણીનો પ્રવાહ વધી જવાથી બંને મિત્રો તણાયા હતાં. જે પૈકીના એક મિત્રને બચાવી લીધો હતો. જ્યારે અન્ય મિત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના હાપા ઈસ્કોન મંદિર પાસે રહેતા અને રાજસ્થાનના મીઠવાર ગામનો વતની શ્રવણકુમાર દિનુરામ મેઘવાર (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.30 ના રોજ શુક્રવારે તેના મિત્ર સુરેશ સાથે જામનગરમાં શાકભાજી લેવા ગયો હતો અને ત્યાંથી સાંજના સમયે પરત ફરતા સમયે ગુલાબનગર પાસેના નવનાલા વાંજાવાસ પાસે આવેલું પુલીયા પરથી પસાર થતા હતા તે દરમિયાન ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધી જવાથી બંને મિત્રો પાણીમાં તણાઈ ગયા હતાં. આ અંગેની જાણ થતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંને મિત્રોની શોધખોળ હાથ ધરતા સુરેશને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે શ્રવણકુમારનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ અમુલખરામ દ્વારા જાણ કરાતા વાય.એમ.વાળા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.