Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરશેરીના રખડતાં કૂતરા મામલે બે પરિવારો વચ્ચે મારામારી

શેરીના રખડતાં કૂતરા મામલે બે પરિવારો વચ્ચે મારામારી

વિપ્ર મહિલા સહિતના ચાર વ્યક્તિઓ ઉપર ચાર શખ્સોનો હુમલો : ઢીકાપાટુનો માર મારી ફડાકા ઝિંકયા : સામાપક્ષે મહિલા સહિતના ત્રણ શખ્સો દ્વારા યુવાનને માર મારી ધમકી : પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધી આરંભી તપાસ

જામનગર શહેરના 58-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરીમાં રખડતા કૂતરાને હેરાન કરવાની ના પાડતા ચાર શખ્સોએ વિપ્ર મહિલા સહિતના ચાર વ્યકિતઓને લાકડાના ધોકા અને ફડાકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે સામાપક્ષે પણ મહિલા સહિતના ત્રણ શખ્સોએ યુવાન ઉપર ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

સામાસામા હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 58માં કાનાનગર શેરી નંબર એકમાં કેળાની વખાર પાસે રહેતા હીનાબેન શંકરલાલ જોષી (ઉ.વ.42) નામના મહિલા તેની શેરીમાં બેઠા હતા. ત્યારે શેરીનું પાલતું કુતરાંને અશોક દિનેશ ભાનુશાળી નામનો શખ્સ હેરાન કરતો હતો. તેથી મહિલાએ કૂતરાને હેરાન કરવાની ના પાડી હતી. આ બાબતનો ખાર રાખી અશોકએ ફોન કરીને રાજા દિનેશ ભાનુશાળી, અન્યો ઉર્ફે અમિત ભાનુશાળી, શૈલેશ કાંતિ ભાનુશાળી નામના ત્રણ શખ્સોને બોલાવ્યા હતા અને ચારેય શખ્સોએ મહિલાને ગાળો કાઢતા મહિલાના બચાવ માટે દીપકભાઇ અને જયેશભાઇ દોડી આવ્યા હતા. ત્યારે ચાર શખ્સોએ વચ્ચે પડેલા મહેકબેનને ફડાકા ઝિંકયા હતા. ચારેય શખ્સોએ મહિલા સહિતનાઓને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી હતી.

જ્યારે સામાપક્ષે અશોક દિનેશ દામા નામના યુવાનને પુત્રી કૃપાને કૂતરીથી ડરાવતા હોય જેથી કૂતરીને તગડવા જતાં હિનાબેન શંકરલાલ જોષી, દીપકભાઇ અને જયેશભાઇ નામના ત્રણ શખ્સોએ યુવાનને ધકકો મારી પછાડી દીધો હતો. ગાળો કાઢી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. કૂતરાને તગડતા નહીં, નહીંતર મારી નાખશું તેવી ધમકી આપી હતી. સામસામા મારામારીના બનાવના જાણના આધારે હે.કો. એમ. ડી. મોરી તથા સ્ટાફએ હીનાબેન અને સામાપક્ષે અશોકભાઇની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular