જામનગરમાં તા. 10 અને 11 જુલાઇના રોજ લીલાવંતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા બે દિવસીય યોગ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ આઠ બેચમાં અંદાજિત 800 લોકો જુદા જુદા ગરબાના તાલે વિવિધ આસનો કરશે. આ કાર્યક્રમનો પ્રારંભ આવતીકાલે સવારે 9 વાગ્યે મેયર બીનાબેન કોઠારી, રાજ્યમંત્રી હકુભા, સાંસદ પૂનમબેન માડમ તથા આયુર્વેદ યુનિવર્સિટીના વા. ચાન્સેલર અનુપ ઠાકરની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ સંચાલિત લીલાવંતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર, લાખાબાવળ દ્વારા આજની ભાગદોડભરી તથા માનસિક તણાવયુક્ત જીવનમાં લોકોની જરુરીયાતોને ધ્યાનમાં રાખી નેચરોપેથી એટલે કે, કુદરતી ઉપચાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ પ્રત્યેક વ્યક્તિની સમસ્યા, રોગ તેમજ રોગોની ચાલી રહેલ સારવાર, દવાઓ વગેરેની જાણકારી મેળવી વ્યક્તિની પ્રકૃત્તિ અનુસાર તેની સારવાર અને તેને અનુરુપ દિનચર્યા નિર્ધારીત કરી સેન્ટરમાં બે દિવસથી લઇને એક મહિના સુધીની સારવાર આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ તેમજ લીલાવંતીબેન શાહની પૂણ્યતિથિ નિમિત્તે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે ગઇકાલે યોજાયેલ પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમની વિગતો આપવામાં આવી હતી. જે અંતર્ગત તા. 10 અને 11 જુલાઇના રોજ કુંવરબાઇ જૈન ધર્મશાળામાં વિનામૂલ્યે યોગ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બે દિવસ દરમિયાન એક-એક કલાકના કુલ 8 બેચમાં યોગ ગરબા કરવામાં આવશે. જેમાં કોરોના મહામારીમાં સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખી બેચ દીઠ 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ વિનામૂલ્યે યોગ ગરબા કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. આ કાર્યક્રમમાં યોગ ગરબાની તાલિમ આપવા સુરતથી ખાસ તાલિમકાર અનિશ રંગરેજ પધારશે અને ઉપસ્થિત લોકોને યોગ ગરબાની તાલિમ પુરી પાડશે. આ પત્રકાર પરિષદમાં રમણિકભાઇ શાહ, ચંદુભાઇ શાહ, ભરતેશભાઇ શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.