જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતાં અને ખેતી કરતા યુવાન ઉપર જમીનના ભાગ પાડવા બાબતનું મનદુ:ખ રાખી તેના જ બે સગાભાઈ દ્વારા બોથડ હથિયાર અને છરી વડે હુમલો કરી જમણા હાથનો અડધો અંગુઠો કાપી નાખી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મસીતિયા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં અને ખેતી કરતાં કાદરભાઈ જુમાભાઇ ખફી નામના યુવાન ઉપર મંગળવારે સાંજના સમયે જમીનના ભાગ પાડવા બાબતનું મનદુ:ખ રાખી તેના જ સગાભાઈ યુનુસ જુમા ખફી અને આદમ જુમા ખફી નામના બંને એ એકસંપ કરી કાદર ઉપર બોથડ પદાર્થ વડે આડેધડ ઘા મારી ઈજા પહોંચાડી હતી અને ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે જમણા હાથનો અડધો અંગુઠો કાપી નાખ્યો હતો. બે ભાઇઓએ ભાઈ ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા કાદરભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.