જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં આવેલી વાડીએ જતાં ખેડૂતને રસ્તામાં આંતરી બે શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી, પથ્થર વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતાં અને ખેતી કરતાં રમેશભાઇ થોભણભાઇ ભાલોડિયા (ઉ.વ.50) નામના આધેડ ગત્ તા. 05ના રોજ સવારના સમયે તેના ખેતરે જતા હતા ત્યારે તેની વાડીના શેઢા પાસેના રસ્તામાં ઉભેલા પરેશ ગોવિંદ ગડારા અને પ્રફૂલ્લ ગોવિંદ ગડારાને રમેશભાઇએ, “તમારા વાડીના શેઢે કાંટાની વાડ અને મોટા પથ્થરો રાખ્યા છે તે વાડી વિસ્તારમાં આવતા બધા ખેડૂતોને નડતરરૂપ છે. જેથી પથ્થર અને કાંટાની વાડ કાઢી લેજો.” તેમ જણાવતા બન્ને ભાઇઓએ રમેશભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો અને ધમકીના બનાવની જાણ કરાતા એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફએ રમેશભાઇના નિવેદનના આધારે બે ભાઇઓ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.


