મેઘપર ગામમાંથી ડિગ્રી વગરના બે બોગસ ડોકટરને જામનગર એસઓજી પોલીસે અલગ અલગ પ્રકારની દવાઓ, ઈન્જેકશનો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મેઘપર ગામમાં ખોડિયાર મંદિર વાડી શેરીમાં અપૂર્વા હલદાર નામનો શખ્સ ડોકટરની ડિગ્રી ન હોવા છતાં પણ દર્દીઓને તપાસી અલગ-અલગ દવાઓ આપી પૈસા વસૂલતો હોવાની એસઓજીના હેકો રમેશભાઈ ચાવડા, દિનેશભાઈ સાગઠીયા, સંદિપભાઈ ચુડાસમા તથા સોયબભાઈ મકવાને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસે રેઈડ દરમિયાન 12 ધોરણ પાસ અપૂર્વા અંગસુપતિ હલદાર નામના શખ્સને રૂા.2560 ની કિંમતના જુદી જુદી કંપનીઓની દવા, બાટલા, ઈન્જેકશનો, સ્ટે્રટોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, મેઘપર ગામમાં ખોડિયાર મંદિર વાડી શેરીમા નંદુલાલ વિશ્ર્વાસ નામનો શખ્સ ધો.12 સુધીનો અભ્યાસ કરેલ હોય અને ડોકટરની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસી તેમને દવાઓ આપી પૈસા વસુલતો હોવાની એસઓજી સ્ટાફને બાતમી મળી હતી. જેના આધારે એસઓજી સ્ટાફે રેઈડ દરમિયાન નંદુલાલ નિર્મળચંદ્રા વિશ્ર્વાસ નામના શખ્સને રૂા.2826 ની કિંમતની જુદી જુદી કંપનીઓની દવા, બાટલા, ઇન્જેકશનો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.