મોટી ખાવડીમાંથી ડોકટરની ડિગ્રી ધરાવતા ન હોવા છતાં દર્દીઓને તપાસતા બે બોગસ તબીબોને જામનગર એસઓજી પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે એક શખ્સ ડોકટરની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને તપાસતો હોવાની એસઓજીના હે.કો. અરજણભાઇ કોડિયાતર તથા મયુદીનભાઇ સૈયદને બાતમી મળી હતી. જેના આધારે જામનગર એસઓજી પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન સંદીપ ચરણસિંહ રાણા નામના શખ્સને સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન, તેમજ ઇન્જેકશન તથા અલગ-અલગ કંપનીઓની દવા મળી રૂા.3,932 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બીજો દરોડો મોટી ખાવડી ગામમાં જ બીજલકુમાર ભગીરથચંદ્ર બિસવાસ નામનો શખ્સ ધો.10 પાસ હોવા છતાં કોઇપણ ડિગ્રી વગર દર્દીઓને તપાસતો હોવાની એસઓજીના હે.કો. રમેશભાઇ ચાવડા તથા સંદીપભાઇ ચુડાસમાને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસે રેઇડ દરમ્યાન સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન, તેમજ ઇન્જેકશન તથા અલગ-અલગ કંપનીઓની દવા મળી રૂા.3,616 ના મુદ્દામાલ સાથે બીજલકુમાર ભગીરથચંદ્ર બિસવાસ નામના શખ્સને ઝડપી લઇ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.