Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધ્રોલમાં ધોધમાર અઢી, જોડિયામાં એક ઈંચ વરસાદ

ધ્રોલમાં ધોધમાર અઢી, જોડિયામાં એક ઈંચ વરસાદ

જામનગરમાં સામાન્ય ઝાપટાં : પરડવામાં સવા ઇંચ: ફલ્લા-હડિયાણા-જાલિયાદેવાણીમાં એક-એક ઈંચ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં મેઘસવારી ફરી આવી પહોંચી છે. જેમાં જિલ્લાના ધ્રોલ તાલુકામાં સોથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જોડિયામાં એક ઈંચ અને કાલાવડમાં અડધો ઈંચ પાણી પડયું છે. ગ્રામ્ય વિસ્તારમાં જામજોધપુરના પરડવામાં સવા ઈંચ, જાલિયાદેવાણી-હડિયાણા- ફલ્લામાં એક-એક ઈંચ પાણી વરસ્યું હતું.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લાં બે દિવસથી જામનગર જિલ્લામાં મેઘાવી માહોલ બની ગયો છે. મેઘરાજાએ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ જામનગર શહેર ઉપર મેઘમહેર વરસાવી હતી. જેના કારણે જીવાદોરી સમાન મુખ્ય ડેમો જેવા કે રણજીતસાગર, સસોઇ, ઉંડ-1 માં પાણીનો પુષ્કળ જથ્થો આવવાથી ઓવરફલો થયા હતાં. વરસાદના બીજા રાઉન્ડમાં પણ જામનગર જિલ્લા ઉપર મેઘરાજાએ મહેર યથાવત રાખી છે. આજે સવારે 10 વાગ્યા સુધીના પૂરા થતા 24 કલાક દરમિયાન ધ્રોલ ગામમાં સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીના 6 કલાકમાં અઢી ઈંચ પાણી વરસી ગયું હતું. જ્યારે ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જાલિયાદેવાણીમાં વધુ એક ઈંચ અને લૈયારામાં અડધો ઈંચ તથા લતીપુરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં.

જોડિયા ગામમાં મધ્યરાત્રિના બે વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે સવારે 6 વાગ્યા સુધીમાં એક ઈંચ પાણી વરસાવ્યું હતું. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડિયાણામાં વધુ એક ઈંચ વરસાદ પડયો હતો. કાલાવડમાં અડધો ઈંચ અને લાલપુર તથા જામજોધપુરમાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં સવા ઈંચ અને ધ્રાફામાં અડધો ઈંચ તથા વાંસજાળિયા, જામવાડી અને શેઠવડાળામાં સામાન્ય ઝાપટાં વરસ્યા હતાં તથા કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિકાવામાં પોણો ઇંચ, મોટા વડાળા તથા મોટા પાંચદેવડામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે બેડી અને ભલસાણ બેરાજામાં જોરદાર ઝાપટાં વરસ્યા હતાં. ઉપરાંત જામનગર શહેરમાં માત્ર છાંટા જ વરસ્યા હતાં અને તાલુકાના મોટી બાણુંગારમાં અને અલિયાબાડામાં અડધો-અડધો ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું. લાલપુર તાલુકાના પડાણા અને હરીપરમાં સામાન્ય છાંટા પડયાના અહેવાલ છે.
જામનગર જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં પડેલા વરસાદ બાદ મોસમનો કુલ વરસાદ જામનગર શહેર 822 મિ.મી. (35 ઈંચ), જોડિયા 504 મિ.મી. (20 ઈંચ), ધ્રોલ 501 મિ.મી. (20 ઈંચ), કાલાવડ 471 મિ.મી. (18.75 ઈંચ), લાલપુર 311 મિ.મી. (12.75 ઈંચ), જામજોધપુરમાં 403 મિ.મી. (16 ઈંચ) વરસાદ વરસ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular