ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે થોડા સમય પૂર્વે જીરું ભરેલા છ બાચકાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ અંગે એસ.ઓ.જી. વિભાને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
જેને અનુલક્ષીને હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા જામનગરના હાપા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શંકર રમેશભાઈ ધાંધલ પરીયા (ઉ.વ. 19) અને પ્રશાંત ઉર્ફે પતીયો કિશોરભાઈ રણોલિયા (ઉ.વ. 20) નામના બે લવર મૂંછિયા શખ્સોને ઝડપી લીધા હતા.
આ બંને શખ્સો એક બોલેરો મેક્સી પીકઅપ વાનમાં ચોરીનું જીરૂ ભરીને ખંભાળિયામાં આવેલા કંચનપુર વિસ્તાર પાસેથી વેચાણ કરવા આવતા પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા. 1.05 લાખની કિંમતનું 290 કિલોગ્રામ જીરુ તથા રૂપિયા અઢી લાખની કિંમતની જીજે-10- ટી-9301 નંબરની બોલેરો પીકઅપ વાન કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી, વધુ તપાસ અર્થે બંનેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ. આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, રણમલભાઈ પરમાર, કિશોરસિંહ જાડેજા, મિલનભાઈ ભાટુ, સ્વરૂપસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા તથા જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.