ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર આવેલી એસ્સાર બ્લક ટર્મિનલ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે કોઈ તસ્કરો દ્વારા રૂપિયા 3.50 લાખની કિંમતના લોખંડના જુદા જુદા પાર્ટ્સની ચોરી થવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત એલસીબીના એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા ઈબ્રાહીમ ઇસ્માઈલ સુમરા તથા મોટા માંઢા ગામના પરેશ વાલજીભાઈ ચાવડા નામના બે શખ્સોની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે ઉપરોક્ત ચોરીની કબુલાત આપી હતી. જે સંદર્ભે પોલીસે રૂપિયા 41,000 ના લોખંડના રોલર પણ કબજે કર્યા હતા.
આથી એલસીબી પોલીસે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી, વધુ તપાસ સાથે ખંભાળિયા પોલીસને સોંપ્યા છે. આ સમગ્ર કાર્ય એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બીએમ. દેવમુરારી, એસ.વી. ગળચર, એસ.એસ. ચૌહાણ સાથે એ.એસ.આઈ. સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, અજીતભાઈ બારોટ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.