જામનગરની નયારા એનર્જી કંપનીમાંથી રાજસ્થાન તરફ જતાં ટ્રકને સોયલ ગામ નજીક હોટલ પાસે નડતર રૂપ પાર્ક કરેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા રાજસ્થાનના ચાલક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક આવેલી નયારા એનર્જીમાંથી માલ ભરીને રાજસ્થાનના ચિતોડ ખાતે હિન્દુસ્તાન ઝીંક કંપનીમાં જતા આરજે-23-જીબી-0175 નંબરનો ટ્રક બે સપ્તાહ પૂર્વે રાત્રીના સમયે ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક આવેલી હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે બેદરકારીપૂર્વક બે્રકલાઈટ કે ઈન્ડીકેટર ચાલુ રાખ્યા વગર પાર્ક કરેલા જીજે-13-વી-7929 નંબરના ડમ્પર સાથે રાજસ્થાનનો ટ્રક અથડાતા ચાલક છોટુસિંહ કુશસિંહ રાજપૂત નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમિયાન ચાલક છોટુસિંહ નામના યુવાનનું રવિવારે બપોરના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ સુખસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઇ પી.જી.પનારા તથા સ્ટાફે બેદરકાર જીજે-13-વી-7929 નંબરના ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.