ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ સાથે જ વેક્સિનેશન અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અમેરિકન વેક્સિન ઉત્પાદક કંપની ફાઈઝર ઈન્ક અને બાયોટેક એસઈ દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, વેક્સિનેશન માટેની ઉંમર 2022 સુધીમાં એક્સપાન્ડ કરી દેવામાં આવશે. ફાઈઝરના પ્રવક્તા શેરોન કૈસ્ટિલોના કહેવા પ્રમાણે વેક્સિનેશનના પ્રારંભિક તબક્કામાં બુધવારે પહેલા વોલન્ટિયરને વેક્સિન આપવામાં આવી હતી. આના પહેલા મોડર્નાએ અમેરિકામાં બાળકો પર વેક્સિન ટ્રાયલ શરૂ કરી હતી જેને KidCOVE નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમેરિકા અને કેનેડામાં 6 મહિનાથી લઈને 11 વર્ષની ઉંમર ધરાવતા 6,750 બાળકોને ટ્રાયલ માટે રજિસ્ટર કરવામાં આવ્યા છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ પણ બાળકો માટે વેક્સિન લાવવાની તૈયારીમાં છે. આ વેક્સિન બાળકોને તેમના જન્મના એક મહિનાની અંદર આપવામાં આવશે. ઉપરાંત ભવિષ્યમાં કંપની આ વેક્સિનને દવા તરીકે પણ વિકસિત કરશે જેથી કોરોનાથી સંક્રમિત બાળકોને તે આપી શકાય.