પર્યાવરણની જાળવણીની વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ તો વિદ્યાર્થીઓને આ વિચારધારા સાથે જોડવા માટે હરિયાણાના મુખ્યમંત્રીએ એક નવતર જાહેરાત કરી છે. જેનુ કદાચ બીજા રાજ્યો પણ અનુકરણ કરે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ છે કે, ધો.8 થી 12માં જે વિદ્યાર્થીઓ વૃક્ષ વાવીને તેની દેખરેખ રાખશે તેમને વધારાના માર્કસ આપવામાં આવશે. વાર્ષિક પરીક્ષામાં તેમને આ માર્કસ મળશે અને આ નિયમ હરિયાણા સ્ટેટ બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે.
તેમણે કહ્યુ હતુ કે, તેના નિયમો બનાવવા પર બહુ જલ્દી કામ કરવામાં આવશે. આ જાહેરાત તેમણે એક પંચકર્મ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં કરી હતી. તેમનુ કહેવુ હતુ કે, વધારે માર્કસ મળતા હોવાથી વિદ્યાર્થીઓને વૃક્ષો વાવવા માટે અને રાજ્યને વધારે હરિયાળુ બનાવવા માટે પ્રોત્સાહન મળશે. જોકે તેમણે આ યોજના ક્યારથી લાગુ થશે તેનો કોઈ ખુલાસો કર્યો નથી.
કદાચ હરિયાણા પહેલુ રાજ્ય છે જેણે આ પ્રકારની નીતિની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હરિયાણા એજ્યુકેશન બોર્ડ દ્વારા ગુજરાત જેવી જ ફોર્મ્યુલાના આધારે ધો.10 અને ધો.12નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.