દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 7 મે ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે મતદાનની કામગીરી સુનિશ્ર્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ દ્વારકા મત વિસ્તાર માટે દ્વારકા ખાતે ઝોનલ ઓફીસર, પ્રિસાઈડીંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફીસરને મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ તાલીમ વર્ગ યોજાયો હતો.
પ્રથમ તબક્કાના આ તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, ઈ.વી.એમ., વી.વી.પેટ, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી. આ ઉપરાંત તમામને ઊટખ, ટટઙઅઝ અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.
આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય 12 દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ આપવામાં આવી હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારી તથા કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયા હતા.
પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોક્કસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ ઇ.વી.એમ. મશીન વી.વી.પેટ સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં વગર પરવાનગીએ ગેરહાજર રહેલા કર્મચારીઓને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી એચ.બી. ભગોરાએ તાલીમ વર્ગોની મુલાકાત લઇ, પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
દ્વારકામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે પોલીંગ સ્ટાફનો તાલીમ વર્ગ
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થ્રિયરી સહિતનું માર્ગદર્શન અપાયું : કલેકટર ના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર તાલીમનું આયોજન