જામનગરના ધરારનગર વિસ્તારમાં એક અવાવરૂ કૂવામાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહનું ચોંકાવનારા રહસ્ય ખૂલ્યું છે. સિદ્વાર્થ નગર વિસ્તારમાં રહેતા યુવાનને સાળાની પત્ની સાથેના આડા સંબંધને કારણે ખુદ પત્ની સહિતના સાસરિયાઓએ મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલતા છ શખ્સો વિરૂધ્ધ હત્યા અને પૂરાવાનો નાશ કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક ધરાનગર-1 વિસ્તારમાં અવાવરૂ કૂવામાંથી 5 દિવસ પહેલા એક મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની તપાસ દરમ્યાન તેને માથાના ભાગે બોથડ પદાર્થના ઘાના નિશાન જોવા મળ્યા હોવાથી પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી. પીઆઇ કેે.જે. ભોયે તથા સ્ટાફે શહેરમાં ગુમ થયેલી વ્યકિતઓ અંગેની તપાસ કરતાં આખરે જામનગરના વુલનમિલ નજીક સિદ્વાર્થ નગરમાં રહેતો લલિત રામજીભાઇ સોંદરવા નામનો 28 વર્ષનો એક યુવાન ગુમ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે અંગેની તપાસ પછી મૃતદેહ લલિતનો જ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. લલિતના બે ભાઇઓ સંજય અને જિજ્ઞેશ મૂળ સડોદરના અને હાલ રાજકોટ રહે છે. સંજયે મૃતદેહની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન લલિત પોતાના સસરા પાલાભાઇ અરજણભાઇ કંટારિયા સાથે સિદ્વાર્થ નગરમાં રહેતો હતો. જેના આધારે પોલીસે પાલાભાઇના ઘરમાંથી તપાસ શરૂ કરી હતી. લલીતનું અનૈતિક સંબંધના કારણે તેના જ સાસરિયાઓએ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
જેમાં વધુ મળતી વિગત મુજબ, લલીતનો સાળો વિપુલ તેની સાથે જ રહેતો હતો. વિપુલની પત્ની ભાનુબેન સાથે લલિતને અનૈતિક સંબંધો હોવાનું ધ્યાનમાં આવતાં સાસરિયાઓએ તેનું કાસળ કાઢી નાંખવાનું કાવતરુ ઘડયું હતું. ગત 18મી તારીખે લલિતની પત્ની વસંતાબેન, લલિતના સસરા પાલાભાઇ અરજણભાઇ કટારિયા, સાળા વિપુલ અને અશ્ર્વિન પાલા કટારિયા, સાસુ જયાબેન, વિપુલની પત્ની ભાનુબેન સહિતના 6 શખ્સોએ ગળે ટૂંપો દઇ લલિતને ઘરમાં જ મારી નાંખ્યો હતો.
ત્યારબાદ મૃતદેહને ધરારનગર વિસ્તારમાં આવેલા અવાવરૂ કુવામાં જઇને ફેંકી દીધો હતો અને મૃતદેહ ઉપર ડીઝલ રેડી દઇ દીવાસળી ચાંપી સળગાવી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. પરંતુ આખરે મામલો ત્રણ દિવસની જહેમત પછી મૃતદેહની ઓળખ કરી નાખી હત્યા કેસનો ભેદ પણ ઉકેલી નાંખ્યો હતો. હત્યાના બનાવ અંગે મૃતક લલિતના ભાઇ સંજય સોંદરવાએ પોલીસ મથકમાં છ શખ્સોએ હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હત્યારાઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.