દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં રહેતો તરૂણ ગામના પાદરમાં આવેલા તળાવમાં ભેંસો ચરાવવા માટે ગયો હતો તે દરમિયાન પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા હરદાસભાઈ કારાભાઈ માડમ નામના 40 વર્ષના આહિર યુવાનનો 12 વર્ષનો પુત્ર નિખિલ ગુણગઢ ગામના સ્મશાન પાસેના તળાવમાં પોતાની ભેંસો ચરાવવા માટે ગયો હતો. અહીં ભેંસ તળાવમાં પાણી પી રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર નિખિલ આ તળાવમાં ડૂબવા લાગતા થોડીવારમાં તે પાણીમાં ગરદ થઇ ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. 12 વર્ષના વિદ્યાર્થી એવા આ બાળકનું અકાળે મૃત્યુ થતા મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ બનાવની નોંધ મૃતકના પિતા હરદાસભાઈ માડમે કલ્યાણપુર પોલીસમાં કરાવી છે.